
સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા પર્વત પાટિયા વિસ્તારમાં આજે (16 મે, 2025) સવારે ભીષણ આગનો બનાવ સામે આવતા ફરી એકવાર સુરતની ટેકસ્ટાઈલ માર્કેટ આગની ચપેટમાં આવી ગયું હતું. પર્વત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં પાંચમાં માળે 10 જેટલી દુકાનમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અલગ-અલગ 9 ફાયર સ્ટેશનની 20 જેટલી ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને એક કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, સાડીઓ સહિતનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાથી લાખોના નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, પર્વત ગામ વિસ્તારમાં અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે. જેમાં પિન્કેશ ટેક્સટાઇલ પાંચમાં ફ્લોર પર દુકાન નંબર 3065થી 3075 સુધી એક કરીને વેપાર કરતી હતી. સવારે અચાનક દુકાનમાં આગ લાગી જવા પામી હતી. દુકાનમાં ભરેલો સાડી અને કાપડનો જથ્થો તરત જ આગને પકડી લીધી હતી, જેના કારણે આગે જલ્દી જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટાઓ દેખાયા હતા.
ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા આસપાસના રહેલા આઠથી વધુ ફાઈર સ્ટેશનની 20થી વધુ ગાડીઓ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ પાણીનો મારો ચલાવીને એક કલાકની જાહેરત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. દુકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી. આ સાથે જ ફાયર વિભાગે આગને આગળ પ્રસરતી અટકાવતા અન્ય વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
10 જેટલી દુકાનમાં આગના પગલે તેમાં રહેલો સાડી અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ સાથે જ કેટલાક કમ્પ્યુટર પણ બળીને ખાખ થઈ ગયા હતા, જેથી વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા સેવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવાઈ ગયા બાદ સ્કૂલિંગની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે આગ પર સંપૂર્ણ કાબુ મેળવાઈ ગયા બાદ પણ હાલ પણ એક ફાયરની ગાડીને માર્કેટ નીચે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
આગ લાગવાનું સાચું કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને કારણ ગણાવવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા જગ્યા ખાલી કરાવી લોકોએ સલામત અંતર રાખવા સૂચના આપવામાં આવી હતી. વેપારી દ્વારા લાખોનો માલ ભસ્મીભૂત થયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જ નાની થવા પામી નથી.