
ધોરણ-12 સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ થયા બાદ વિષયવાર મળેલા ગુણથી અસંતોષ હોય તેવા વિદ્યાર્થીઓને ગુણ ચકાસણી અને અવલોકન તેમજ ઓએમઆર સીટ લેવાની સત્તા વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. ધોરણ-12 સાયન્સના 10600 વિદ્યાર્થીઓએ 15મી, મે-2025 સુધીમાં શિક્ષણ બોર્ડમાં ઓનલાઇન ગુણ ચકાસણી, અવલોકન અને ઓએમઆર સીટ માટે અરજી કરવામાં આવી છે. ઓનલાઇન આવેલી અરજીઓના આધારે અવલોકનની કામગીરી આગામી સમયમાં કરાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી/ માર્ચ-2025માં લેવાયેલી ધોરણ-12 સાયન્સ પરીક્ષાનું પરીણામ ગત 5મી, મે-2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન પરિણામ જોયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા ગત 14મી, મેના રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ પણ આપી દેવામાં આવી છે. ત્યારે જે વિદ્યાર્થીઓને પોતાના વિષયવાર મળેલા ગુણથી અસંતોષ તો તેની ખરાઇ કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા સાયન્સના મુખ્ય ચાર વિષયોનું અવલોકન કરી શકાય છે. તેમાં વિદ્યાર્થીઓને તેની ઉત્તરવહી બતાવવામાં આવે છે. તેમાં જો કોઇ પ્રશ્ન તપાસવાનો બાકી રહી ગયો હોય તો તેને પાસે રહેલા નિષ્ણાંત વિષય શિક્ષક દ્વારા તપાસીને ગુણ આપીને તેની કુલ ટોટલમાં ઉમેરો કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીની ઉત્તરવહીના પ્રથમ પેજ ઉપર પ્રશ્ન વાઇઝ મુકેલા ગુણનો કુલ સરવાળો કરવામાં આવે છે. જો કુલ સરવાળામાં કોઇ ભૂલ હોય તો તેમાં સુધારો કરવામાં આવે છે. ત્યારે અવલોકન માટે 4000 જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરી છે. જ્યારે સાયન્સના તમામ વિષયોના ગુણ ચકાસણીની તક પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમાં ઉત્તરવહી ઉપર મુકવામાં આવેલા પ્રશ્ન વાઇઝ ગુણનો સરવાળો ચેક કરવામાં આવે છે. જો સરવાળામાં ભૂલ હોય તો તેમાં સુધારો કરીને સુધારેલા ગુણ આપવામાં આવે છે. ગુણ ચકાસણી માટે સાયન્સના 2350 વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજીઓ કરી છે. ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓને સાયન્સના પેપરોમાં ઓએમઆર સીટમાં જવાબો આપવાના હતા.