જિલ્લામાં વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ માટે એન્ટી લારવાની કામગીરી કરવામાં આવતા તેમા 11181 ઘરોમાંથી 385 જગ્યાએથી મચ્છરોના લારવા મળતા તેનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે બાંધકામ સાઇટ, જીઆઇડીસી, હોટલ, ચાની કિટલી સહિતના વિસ્તારોમાં મચ્છરના બ્રિડિંગ મળી આવેલા 47 એકમોને નોટીસ ફટકારી છે.
જિલ્લાના 288 ગામોમાં વાહકજન્ય રોગચાળો વકરે નહી તે માટે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.જીજ્ઞેશ અસારી દ્વારા આરોગ્ય કર્મચારીઓની ટીમો બનાવીને જિલ્લાના ચારેય તાલુકાના તમામ ગામોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં આરોગ્યની 611 ટીમોએ રહેણાંક, હોટલ, રેસ્ટોરન્ટ, જીઆઇડીસી, શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડી, હોસ્પિટલ, ચાની કિટલીઓ, ગ્રામ પંચાયત, ડેરી, બેન્ક તેમજ રહેણાંક વિસ્તાર સહિતમાં આરોગ્ય કર્મચારીઓએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
તેમાં 234762 ઘરોમાંથી 197856 ઘરોમાં પાણી ભરેલા 492522 પાત્રોની ચકાસણી કરી હતી. તેમાંથી 385 પાત્રોમાંથી મચ્છરના લારવા મળી આવતા તેનો નિકાલ કરાયો હતો. જ્યારે અગાઉ સુચના આપવા છતાં હોટલ, બાંધકામ સાઇટ, ચાની કિટલી, શાળાઓ, ધાર્મિક સ્થાનો, રોડ ગ્રાઇડ વર્ક, જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં મચ્છરના લારવા મળી આવતા તેવા 47 એકમોને નોટીસ ફટકારીને સ્વચ્છતા જાળવવાની સુચના આપી હતી. જો બીજી વખત આકસ્મિક તપાસમાં મચ્છરના લારવા મળી આવશે તો દંડનીય કાર્યવાહી સહિતના આકરા પગલાં લેવાની સુચના આપી હતી. જ્યારે મચ્છરના લારવાથી ડેન્ગ્યુ, ઝેરી મેલેરીયા, મેલેરીયા, ચીકનગુનિયા જેવી થતી બિમારી અંગેની જાણકારી આપી હતી.
તેમાં ડેન્ગ્યુના મચ્છરો સ્વચ્છ પાણીમાં થતાં હોવાથી પાણીના પાત્રોને ઢાંકીને રાખવાની સાથે સાથે આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો થાય નહી તે માટે તેનો નિકાલ કરવાનો રહેશે. ઉપરાંત તેમાં દવા, ઓઇલ નાંખવાની જાણકારી આપી હતી. આરોગ્યની ટીમ દ્વારા આગામી સમયમાં પણ તપાસ ઝૂંબેશ ચાલું રાખવામાં આવશે. કેમ કે આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે ચોમાસામાં મચ્છરોની ઉત્પત્તિ વધુ પ્રમાણમાં થતી હોય છે. ત્યારે સઘન ઝુંબેશ ચાલું રાખવામાં આવશે.

