
ઝારખંડની રાજધાની રાંચીમાં પાણીના ધોધમાં ન્હાવા પડેલા ચાર ડોક્ટરોમાંથી એક ડોક્ટરનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. જિલ્લાની રિમ્સ હોસ્પિટલના ૨૬ ઇન્ટર્ન ડોક્ટોનું ગ્રૂપ પિકનિક મનાવવા માટે રાંચીથી ૪૦ કિલોમીટર દૂર પાણીના ધોધમાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થયેલા ચાર ડોક્ટરોમાંથી એકનું મોત થતા હડકંપ મચી ગયો છે. મળતા અહેવાલો મુજબ રાંચીના બરિયાતૂ સ્થિત રિમ્સ હોસ્પિટલના ૨૦૧૯ MBBS બેંચના ૨૬ ઇન્ટર્ન ડોક્ટરોએ પિકનીકનું આયોજન કર્યું હતું. આ માટે તેઓ ખૂંટી જિલ્લાના તોરપાના પ્રસિદ્ધ પેરવાધાધ પાણીના ધોધ ગયા હતા.
ચારેય ડોક્ટરોને ડૂબતા જોઈ અન્ય ડોક્ટરોએ બુમો પાડવાનું શરુ કરી દીધું હતું. આ દરમિયાન સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલીક ઘટનાસ્થળે આવી ઊંડા પાણીમાં ઉતરી ત્રણ ડોક્ટરોને સુરક્ષિત બચાવી લીધા હતા, T- જ્યારે ડો.અભિષેક ખલખોને પાણીમાંથી બહાર કઢાયા, ત્યારે તેમની હાલત ખૂબ ગંભીર હતી. ત્યારબાદ ખલખોને તોરપાની હોસ્પિટલમાં લઈ જઈ પ્રાથમિક સારવાર અપાઈ હતી. તેમ છતાં તેઓની સ્થિતિ બગડતાં આખરે તેમને રિમ્સ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. RIMS હોસ્પિટલ પહોંચેલા ડોક્ટર અભિષેક ખલખોને તપાસ બાદ ડોક્ટરોની ટીમે મળત જાહેર કર્યા હતા. ડો. ખલખો એમબીબીએસ પૂર્ણ કર્યા પછી રાંચીની RIMS હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી રહ્યા હતા. મળતક ડોક્ટર મૂળ ખુંટીના વતની હતા. તેમનો આખો પરિવાર મહારાષ્ટ્રના નાગપુરમાં રહે છે.