
ભારતમાં ટ્રાફિક નિયમોને લઈને લાપરવાહી કેટલી ભયંકર છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, વર્ષ ૨૦૨૪માં કુલ ૧૨,૦૦૦ કરોડના ટ્રાફિક ચલણ ફાડવામાં આવ્યા છે. એટલે કે દરરોજ દેશમાં સરેરાશ 32 કરોડ રૂપિયાથી વધારેના ચલણ કપાયા. નવાઈની વાત એ છે કે, તેમાંથી ૯૦૦0 કરોડ રૂપિયા હજુ સુધી ચૂકવાયા નથી આ જાણકારી ઓટો ટેક કંપની CARS24ના ચલણ રિપોર્ટમાં સામે આવી છે. જે દેશભરમાં ટ્રાફિક ડેટા અને લોકોના વ્યવહાર પર આધારિત છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ૨૦૨૪માં કુલ ૮ કરોડ ચલણ કપાયા. એટલે કે દર બીજો વાહન ચાલક ક્યારેક ને ક્યારેક ટ્રાફિક નિયમ તોડતા પકડાયો છે. ગુરુગ્રામમાં દરરોજ સરેરાશ ૪૫૦૦ મેમો અપાયા છે. જ્યારે નોઈડામાં ખાલી હેલ્મેટ ઉલ્લંઘન માટે એક મહિનામાં ૩ લાખ મેમો અપાયા છે. CARS24એ રિપોર્ટમાં કહ્યું કે, ૧૨,૦૦૦ કરોડના ચલણ ખાલી એક આંકડો નથી, પણ એ વાતનો પુરાવો છે કે દેશભરમાં ટ્રાફિક નિયમ કેટલી વાર અને કેટલી સહેલાઈથી તોડવામાં આવે છે. એવી ધારણા છે કે, ટુ વ્હીલર ચલાવતા ચાલકો જ સૌથી વધારે ટ્રાફિક નિયમો તોડે છે. આ રિપોર્ટમાં એ વાત ખોટી સાબિત થઈ છે.
રિપોર્ટ અનુસાર, પ૫ ટકા ચલણ ફોર વ્હીલર્સ વાહનોને અને ૪૫ ટકા ટુ વ્હીલર વાહનોને મેમો આપ્યા છે. એટલે કે તમામ પ્રકારના વાહન ચાલકો નિયમ ઉલ્લંઘન કરવામાં બરાબરના ભાગીદાર છે. CARS24એ ૧૦૦૦ લોકો સાથે વાતચીતના આધાર પર જણાવ્યું કે, ખાલી ૪.૯ ટકા લોકો ટ્રાફિક નિયમોનું પાલન પોલીસ ન હોય તો પણ કરે છે. તો વળી ૩૧.૨ ટકા લોકો કયારેક કયારેક પોલીસને જોઈ સાવધાની રાખે છે. લગભગ ૧૭.૬ ટકા લોકો ખાલી ચલણથી બચવા માટે આજુબાજુની પરિસ્થિતિ પર નજર રાખે છે અને પોતાનો વ્યવહાર તે અનુસાર બદલે છે. રિપોર્ટમાં અમુક ગંભીર બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે. હરિયાણામાં એક ટ્રક માલિક પર ૧૮ ટન ઓવરલોડિંગ માટે ૨,૦૦,૫૦૦નો દંડ લગાવ્યો. તો વળી બેંગલુરુમાં એક બાઈક સવારે અત્યાર સુધીમાં ૪૭૫ વાર નિયમો તોડતા ૨.૯૧ લાખના ચલણ જમા કરાવ્યા છે. ગુરુગ્રામમાં ટ્રાફિક વિભાગે ચલણ દ્વારા રોજ ૧૦ લાખની વસૂલી કરી, જે ૪૫૦૦ ચલણમાંથી આવી. નોઈડામાં એક જ મહિનામાં હેલ્મેટ વિના ફરતા લોકો પર ૩ લાખના મેમો આપ્યા. કંપનીના સહ સંસ્થાપક ગજેન્દ્ર જાંગિડે કહ્યું કે, દરેક ટ્રાફિક ઉલ્લંઘન નાગરિક વ્યવસ્થા વિરુદ્ધ એક મૌન વોટ છે. જો આપણે આપણા શહેરોને સુરક્ષિત બનાવવા છે, તો ટ્રાફિક નિયમોનું પાલન ડરથી નહી પણ ગર્વ અને જવાબદારીથી કરવું પડશે.