
નવી દિલ્હી,
જાહેર માર્ગો, બસ સ્ટેશનો, રેલવે સ્ટેશનો સહિતના સ્થળો પર ગમે ત્યાં થૂંકનારાઓ અને ગંદકી ફેલાવનારાઓ કયારેય પોતાની હકકતોથી બાજ આવતા નથી. ભારતીય રેલવે અને સરકારો દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં આવા લોકો સુધરવાનું નામ લેતા નથી અને રેલવે સ્ટેશન પર ગંદકી ફેલાવતા રહે છે, ત્યારે રેલવે તંત્રએ હવે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની શરુ કરી દીધી છે. પૂર્વ રેલવેએ જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી રેલવે સ્ટેશનો પર ગંદકી ફેલાવનારા ૩૧,૫૭૬ વ્યક્તિઓને પકડી પાડયા છે અને તેઓ પાસેથી ૩૨,૩૧,૭૪૦ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
જો કોઈ વ્યક્તિ રેલવે સ્ટેશન પર થૂંકે અથવા ગંદકી ફેલાવે તો તેને ભારતીય રેલ્વે અધિનિયમ ૧૯૮૯ની કલમ ૧૪૦ હેઠળ રૂપિયા ૫૦૦નો દંડ ફટાકરવામાં આવી શકે છે. કેટલાક કિસ્સાઓમાં સજાપાત્ર ગુનો પણ દાખલ કરવામાં આવી શકે છે. એટલે કે આવા લોકોને સજા પણ થઈ શકે છે. આમ તો સામાન્ય રીતે દંડ જ ફટકારવામાં આવે છે. રેલવે સ્ટેશનના પરિસર, પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ અને ટ્રેનની અંદર થૂંકવાથી અને કચરો ફેંકવાથી માત્ર સ્વચ્છતા જ નહીં, મુસાફરોને પણ ભારે હાલાકી ભોગવતા હોય છે, જેને ધ્યાને રાખી રેલવે આવા લોકો સામે સમયાંતરે કાર્યવાહી કરતી રહે છે.