
વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના મહિલા કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરના બહેન અંકિતા ઉત્તેકરે પોતાના ઘર પર જ પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે. સોમવારે મુંબઈથી પરત ફર્યા બાદ કોઈ કારણોસર અંકિતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. પોલીસે હાલ મૃતદેહનો પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના હરણી વારસિયા રીંગ રોડ પર આવેલ સવાદ ક્વાર્ટર ખાતે આવેલ 240 નંબરના મકાનમાં અંકિતા ઉત્તેકર (ઉં.34) એ પોતાના ઘરમાં પંખા વડે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો છે. તેઓ ગઈકાલે જ મુંબઈ ખાતે પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપીને ઘરે આવ્યા હતા. રાત્રિના સમયે રસ્તા પર ચાલતા જતા વ્યક્તિએ બારીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં અંકિતાને જોઈ હતી.
જેથી પરિવારને જાણ કરી હતી. પરિવારે અંકિતાના રૂમનો દરવાજો ખુલતા જ તે લટકેલી હાલતમાં હતી. જેને પગલે તુરંત જ પોલીસને બોલાવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ઘટનાને પગલે કાઉન્સિલર શ્વેતા બેન ઉત્તેકર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઉપરાંત આજે સયાજી હોસ્પિટલમાં પણ શ્વેતાબેન પહોંચ્યા હતા.
રાત્રે 8:00 વાગે અંકિતા અને તેનો પરિવાર મુંબઈથી વડોદરા આવ્યો હતો અને રાત્રે એક વાગ્યે આપઘાત કર્યો હોવાની ખબર પડી હતી. જેથી રાત્રે એક વાગ્યા પહેલા અંકિતાએ પોતાના રૂમમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અંકિતાના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, ગઈકાલે છેલ્લે મળી ત્યારે અંકિતા ખુશ જણાતી હતી, તે મારી સાથે હસીને વાત કરતી હતી, પરંતુ રાત્રે અચાનક શું થયું તે અમને ખબર નથી. રાત્રે 8 વાગ્યે ઘરે આવ્યા પછી તે પોતાના રૂમમાં જતી રહી હતી અને ત્યારબાદ રાત્રે એક વાગ્યા પહેલા ફાંસો ખાધો હતો.