
અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી છે. કલોલના ડીંગુચાના પરેશ પટેલની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. સ્ટોરમાં ગ્રાહક તરીકે આવેલ હત્યારાએ ફાયરીગ કરી પરેશ પટેલની હત્યા કરી હતી. ગ્રાહક તરીકે આવેલ હત્યારાએ પહેલા પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પૈસા લૂંટયા બાદ ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. તમને જણાવી દઈએ કે ડીંગુચાના વતની પરેશ પટેલ પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અમેરિકામાં કલોલ તાલુકાના ડીંગુચા ગામના પરેશભાઈ સુમનભાઈ પટેલ છેલ્લા દસ વર્ષથી સ્ટોર પર કામ કરતા હતા. વાયરલ થયેલા સીસીટીવીમાં જણાય છે કે એક વ્યક્તિ ગ્રાહકના રૂપે સ્ટોરમાં આવ્યો હતો. તેણે કેટલીક વસ્તુની ખરીદી કર્યા બાદ અચાનક જ પરેશભાઈ કંઈ સમજે તે પૂર્વે ફાયરિંગ કરીને ગોળી મારી હતી. સોશિયલ મીડિયા પર સીસીટીવી વાયરલ થવાના આધારે આ ઘટના બહાર આવી છે.
કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતનીની અમેરિકામાં સ્ટોર પર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એક ગ્રાહક સ્ટોર પર આવીને ફાયરિંગ કરીને ડીંગુચા ગામના પરેશભાઈની હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થતા ઘટના પ્રકાશમાં આવી હતી. પરિવારને ઘટનાની જાણ થતા સ્તબ્ધ બની ગયા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ડીંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યો અમેરિકા જતી વખતે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેઓ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે બરફમાં ફસાઈ જતાં મુત્યુ થયું હતું. ડીંગુચા ગામના જગદીશ પટેલ (૩૯ વર્ષ), વૈશાલી પટેલ (૩૭ વર્ષ) તેમનાં બાળકો વિહાંગી (૧૧ વર્ષ) અને ધાર્મિક (ત્રણ વર્ષ)નાં મળતદેહો ગત વર્ષે ૧૯ જાન્યુઆરીએ અમેરિકા-કેનેડા સરહદ પરથી મળ્યાં હતાં.
