
કોરોનાએ ફરી ઉથલો માર્યો જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોવિડ-૧૯ના કેસ વધી રહ્યા છે. કેટલાક દેશોમાં કોરોનાના વધી રહેલા કેસથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ વખતે કોરોનાની ઘાતક અસર બ્રિટનમાં જોવા મળી રહી છે. અહીં કોવિડ-૧૯થી મળતકોની સંખ્યા એક સપ્તાહમાં જ લગભગ બમણી થઈ ગઈ છે. બ્રિટન સરકારના તાજા આંકડા પ્રમાણે, એક સપ્તાહમાં ૧૦૧ લોકોના કોવિડ-૧૯થી મોત થયા હતા. ડેથ સર્ટિફિકેટમાં પણ આ વાત લખવામાં આવી હતી. જે ગત સપ્તાહ કરતાં ૬૫ ટકા વધારે હતી. આ પહેલા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ૧૧૧ લોકોના મોત થયા હતા. અચાનક કોરોના કેસ અને મુત્યુમાં થઈ રહેલા વધારાથી લોકોની ચિંતા વધી ગઈ છે.
દુનિયામાં જાણીતા અને ખુબ પ્રચલિત એવા હેલ્થ એક્સપર્ટ અનુસાર, ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ જેએન.૧ આ પાછળ જવાબદાર છે. જેએન.૧ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે અને મુખ્ય સ્ટ્રેન બની ગયો છે. આ કારણે વિશ્વના અનેક દેશોમાં સંક્રમણ અને હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સંખ્યા વધી છે. માત્ર બ્રિટન જ નહી એશિયાના અનેક દેશોમાં પણ કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. સિંગાપુરમાં કોરોનાના કેસ ૧૧,૧૦૦થી વધીને ૧૪,૨૦૦ પર પહોંચી ગયા છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીની સરેરાશ સંખ્યા પણ ૧૦૨થી વધીને ૧૩૩ પર પહોંચી છે. થાઈલેન્ડમાં કોરોના કેસ 33,000ને પાર થઈ ગયા છે. સરકારે નાગરિકોને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ કરી છે. હાલ કોરોનાના વધી રહેલા કેસને લઈ ગભરાવાની જરૂર નથી પરંતુ વાયરસના નવા રૂપ અને ઝડપથી વધતા કેસને લઈ સતર્ક રહેવાની જરૂર છે. હેલ્થ એજન્સીઓ સતત મોનિટરિંગ કરી રહી છે અને જરૂર હોય તો માસ્ક, હાથ ધોવા અને ભીડથી બચવા જેવી સાવધાની રાખવા જણાવી રહી છે.
