
ગ્રીસના દક્ષિણ ટાપુ કાસોસની નજીક આજે વહેલી સવારે ૬.૧ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેની અસર આશરે ૭૦૦ કિલોમીટરના વિસ્તારમાં અનુભવાઈ હતી. આ ભૂકંપના ઝટકા ટર્કી, સાયપ્રસ, લેબનોન અને ઇજિપ્ત સુધી અનુભવાયા હતા.
યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ કાસોસ ટાપુની રાજધાની ફ્રાયથી લગભગ ૧૫ કિલોમીટર દૂર અને ૭૮.૪ કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ વહેલી સવારે ૧:૫૧ વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે ૧૦:૨૧) આવ્યો હતો.
ભૂકંપની વિગતો અને અસર: ગ્રીસના એથેન્સ જીઓડાયનામિક ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું કે આ ભૂકંપની તીવ્રતા ૫.૯ની પણ નોંધાઈ હતી, જ્યારે યુએસજીએસે તેને ૬.૧ની તીવ્રતા ગણાવી. ભૂકંપનું કેન્દ્રબિંદુ કાસોસ અને ક્રેટ ટાપુઓની નજીક હતું, જેના કારણે કેટ, રોડ્સ, કોસ અને ડોડેકેનીઝના અન્ય ટાપુઓમાં પણ ઝટકા અનુભવાયા.
આ ઉપરાંત, ઇજિપ્તના કૈરો, ઇઝરાયેલ, લેબનોન, ટર્કી અને જોર્ડનમાં પણ ભૂકંપની અસર જોવા મળી

ગ્રીસના ક્લાઇમેટ ક્રાઇસિસ અને સિવિલ પ્રોટેક્શન મંત્રાલયે ભૂકંપ બાદ તાત્કાલિક દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીનું જોખમ હોવાની ચેતવણી જારી કરી હતી અને લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા અને ઊંચાઈવાળા વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી. જોકે, પ્રાથમિક અહેવાલોમાં કોઈ મોટા નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.
ભૂકંપના ઝટકા અનુભવનારા લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો શેર કર્યા છે. એક વ્યક્તિએ લખ્યું. “હું હેર્સોનિસોસની હોટેલમાં ત્રીજા માળે હતો. મારો પલંગ હલી ગયો અને દીવાલ સાથે અથડાયો. આ મારા જીવનનો પહેલો ભૂકંપ હતો.”
રોડ્સના એક રહેવાસીએ જણાવ્યું. “હું પલંગ પર હતો, મને અને મારા સાથીને હલનચલન થયું. આ લગભગ અડધી મિનિટ સુધી ચાલ્યું.” ઇજિપ્તના કૈરોમાં એક વ્યક્તિએ કહ્યું “સોફા બાજુમાં હલ્યો, પાણીની બોટલો ટેબલ પરથી પડી ગઈ, લાઇટ પણ ડોલવા લાગેલ.”
ગ્રીસની ભૂકંપીય પૃષ્ઠભૂમિ: ગ્રીસ એક ભૂકંપીય રીતે સક્રિય ક્ષેત્રમાં આવેલું છે. જ્યાં આફ્રિકન અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સનું સંગમ થાય છે. આ વિસ્તારને હેલેનિક આર્ક તરીકે ઓળખવામાં આવે છે, જે શક્તિશાળી ભૂકંપો માટે જાણીતો છે.
યુનિવર્સિટી ઓફ એથેન્સના સિસ્મોલોજી લેબોરેટરી અનુસાર, જાન્યુઆરી ર૬ થી ફેબ્રુઆરી ૧૩ દરમિયાન સાયકલેડ્સ ટાપુઓમાં ૧૮,૪૦૦થી વધુ નાની તીવ્રતાના ભૂકંપ નોંધાયા હતા.
ડિજિટલ મીડિયા અને સોશિયલ પ્લેટફોર્મ્સ પરથી મળેલી તાજેતરની માહિતી અનુસાર, આ ભૂકંપ બાદ કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ સ્થાનિક અધિકારીઓ અને ભૂકંપ વિશેષજ્ઞો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ગ્રીસના પ્રવાસી વિસ્તારોમાં રહેતા લોકો અને પ્રવાસીઓને સાવચેત રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.