
દેશની સર્વોચ્ચ અદાલતે આજે એક ઐતિહાસિક ચુકાદો આપતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને આકરો ઠપકો આપ્યો છે અને તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસ પર તત્કાળ રોક લગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ED “તમામ હદો વટાવી રહી છે” અને “બંધારણ તથા સંધીય માળખાનું ઉલ્લંઘન” કરી રહી છે. આ નિર્ણયને તામિલનાડુ સરકાર માટે મોટી રાહત અને કેન્દ્રીય એજન્સીઓના અધિકારો પર મહત્વપૂર્ણ પ્રશ્નાર્થ તરીકે જોવામાં આવી રહ્યો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે તામિલનાડુ સરકારની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. સરકારે મદ્રાસ હાઈકોર્ટના તે આદેશને પડકાર્યો હતો, જેમાં EDને TASMAC માં કથિત ₹1,000 કરોડના કૌભાંડમાં તપાસ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

“કોર્પોરેશન વિરુદ્ધ ગુનો કેવી રીતે?” : CJI ગવઈએ EDના વકીલને સીધો સવાલ પૂછ્યો, “આ ગુનો કોર્પોરેશન વિરુદ્ધ કેવી રીતે હોઈ શકે? તમે વ્યક્તિઓ વિરુદ્ધ કેસ દાખલ કરી શકો છો… કોર્પોરેશન વિરુદ્ધ ગુનાહિત મામલો? તમારી ED [એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ] તેની તમામ મર્યાદાઓ વટાવી રહી છે.” આ ટિપ્પણી EDની કાર્યવાહીની કાયદેસરતા પર સીધો પ્રહાર હતો. અને કોર્ટે એજન્સીને તાત્કાલિક અસરથી કાર્યવાહી રોકવાનો આદેશ આપ્યો.
‘પ્રેડિકેટ ઓફેન્સ’ ક્યાં છે? : સર્વોચ્ચ અદાલતે EDને આદેશ આપ્યો કે તે એક સોગંદનામું રજૂ કરીને સમજાવે કે આ કેસમાં પ્રેડિકેટ ઓફેન્સ’ (મની લોન્ડરિંગના કેસનો આધારભૂત મૂળ ગુનો) શું છે. CJI ગવઈએ આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું, “જ્યારે અધિકારીઓ વિરુદ્ધ FIR પહેલેથી જ દાખલ થયેલી છે, ત્યારે ED અહીં શા માટે આવી રહી છે? પ્રેડિકેટ ઓફેન્સ ક્યાં છે?” આ પ્રશ્ન EDના તપાસના આધારને જ પડકારી રહ્યો છે.
બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે, “ED બંધારણના સંઘીય માળખાનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રહી છે.” આ ટિપ્પણી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સત્તાના વિભાજનના સિદ્ધાંતોનું મહત્વ દર્શાવે છે અને રાજ્ય સરકારોની સ્વાયત્તતા પર કેન્દ્રીય એજન્સીઓના ‘અતિરેક’ સામે એક કડક સંદેશ આપે છે.
આ કેસ TASMAC ના મુખ્યાલય પર 6 થી 8 માર્ચ દરમિયાન ED દ્વારા કરવામાં આવેલી રેડ સાથે સંબંધિત છે.
EDએ દાવો કર્યો હતો કે TASMAC અધિકારીઓ દારૂની બોટલોના ભાવ વધારવા, ટેન્ડર મેનીપ્યુલેશન અને લાંચ લેવામાં સંડોવાયેલા હતા, જેનાથી ₹1,000 કરોડથી વધુની નાણાકીય ગેરરીતિઓ થઈ હતી. EDએ આ આરોપોને તામિલનાડુ સરકાર અથવા TASMAC દ્વારા વર્ષોથી TASMAC અધિકારીઓ વિરુદ્ધ દાખલ કરાયેલી 41-46 FIR ના આધારે મની લોન્ડરિંગની શંકા સાથે જોડ઼ડ્યા હતા.

જોકે, DMK-ની આગેવાની હેઠળની રાજ્ય સરકારે અને TASMAC એ ED પર તેની સત્તાઓના અતિક્રમણનો આરોપ લગાવ્યો હતો અને માર્ચની રેડને “ગેરકાયદેસર” ગણાવી હતી.
તામિલનાડુ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે રાજ્ય પોતે જ 2014 થી વ્યક્તિઓ વિરુદ્ધ 41 FIR દાખલ કરી ચૂક્યું છે. તેમણે કહ્યું. “ED 2025 માં ચિત્રમાં આવે છે અને કોર્પોરેશનના મુખ્ય કાર્યાલય પર રેડ કરે છે. ફોન લઈ લેવામાં આવ્યા છે… બધું લઈ લેવામાં આવ્યું છે. આ ગોપનીયતાનો મુદ્દો છે.” TASMAC વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ ઉમેર્યું. “બધા ફોન સાફ કરી દેવામાં આવ્યા છે. શું ગોપનીયતા જેવી કોઈ વસ્તુ છે?”
આ ટિપ્પણીઓ ED દ્વારા કરવામાં આવેલી રેડના તરીકા અને નાગરિકોના મૂળભૂત અધિકારોના સંભવિત ઉલ્લંધન પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ED જેવી કેન્દ્રીય એજન્સીઓની કાર્યશૈલી અને બંધારણીય મર્યાદાઓ પર એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. આ કેસની આગળની સુનાવણી પર દેશભરની નજર રહેશે.