
ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેનાથી આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ, સાથે જ સામાજિક સંબંધો પર પણ સવાલો થવા લાગ્યા. એક પરિવારમાં રાજી ખુશીથી લગ્નનો માહોલ ચાલી રહ્યો હતો. વરરાજો નવી દુલ્હન લઈને આવ્યો, પણ બિચારા વરરાજાને શું ખબર હતી કે, જે દુલ્હનને ધૂમધામથી પરણીને લાવ્યા છીએ તે ૨૪ કલાક પણ ટકશે નહીં. વરરાજો સુહાગરાત માટે રૂમમાં ગયો તો દુલ્હન ગાયબ હતી. પછી બહાર આવીને જોયું તો ચીસ પાડી. હકીકતમાં જોઈએ તો દુલ્હન લગ્નના ૨૪ કલાકમાં પોતાની બહેનપણી સાથે ભાગી ગઈ હતી.
આ ઘટના બિવાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં ૧૭ મેના રોજ એક યુવકની જાન જલાલપુર વિસ્તારના એક ગામમાં ગઈ હતી. ૧૮ મેના રોજ નવી દુલ્હનની વિદાય થઈ અને તે સાસરિયે આવી ગઈ. અત્યાર સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું. ૧ મેના રોજ લગ્ન બાદની પરંપરાગત રસમ અને પૂજા પાઠ પણ થયા.
૧૯ મેના રોજ અમુક વિધિઓ થવાની હતી. આ રાત્રે વરરાજો પોતાની દુલ્હન માટે પાન લેવા બજારમાં ગયો હતો. પતિ બહાર જતાં જ દુલ્હન પોતાના પ્લાન પર કામ કરવા લાગી. તેણે પોતાની બહેનપણીને ફોન કર્યો, દુલ્હનના કહેવા પર બહેનપણી બે અજાણ્યા સાથી સાથે કાર લઈને આવી ગઈ અને મોકો જોઈ દુલ્હનને કારમાં બેસાડી ફરાર થઈ ગઈ. પરિવારના લોકો કંઈ સમજી શકે તે પહેલા કાર ગામમાંથી બહાર નીકળી ચૂકી હતી. લગ્નમાં આવેલા મહેમાનોએ કારનો પીછો કર્યો પણ દુલ્હનને રોકી શકયા નહીં.
આ ઘટના બાદ વરરાજાના પરિવારમાં હડકંપ મચી ગયો, પરિવારના લોકોએ તરત પોલીસમાં ફરિયાદ નોંધાવી વરરાજાના પિતાએ ફરિયાદમાં લખાવ્યું કે, દુલ્હન પાંચ લાખના દાગીના પહેરીને આવી હતી અને તે પોતાની બહેનપણી સાથે ભાગી ગઈ છે. પરિવારે દુલ્હન પર દાગીના અને રોકડ રકમ ચોરવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે, દુલ્હને આના માટે પહેલાથી પ્લાન બનાવી રાખ્યો હતો.
ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી શરુ કરી પોલીસે દુલ્હનને બહેનપણી સાથે ધરપકડ કરી લીધી છે. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમ્યાન દુલ્હને પોતાની જાતને પીડિતા ગણાવી અને સાસરિયાવાળા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે, સાસરિયામાં તેને ઓછો દહેજ લાવવા માટે મહેણાં મારતા હતા. તેની સાથે મારપીટ પણ થઈ છે.