વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભ્રષ્ટાચારીઓ સામે કડક પગલાં માટે મક્કમ ક્યારે થશો?: અમિત ચાવડા
ગુજરાતનો સૌથી નાના તાલુકો જાંબુઘોડા, ૪૨૦૦૦ની જ વસ્તી ૪ વર્ષમાં મનરેગામાં ૩૦૦ કરોડનું ચુકવણું: મનરેગા કાયદામાં લેબર : મટીરીયલ (૬૦:૪૦) રેશિયો, જાંબુઘોડામાં લેબર ૨૨ : મટીરીયલ ૭૮ નો રેશિયો: પંચમહાલ જીલ્લામાં ૪ વર્ષમાં મનરેગામાં મટીરીયલમાં ખર્ચ થયેલ ૫૧૨ કરોડ માંથી સૌથી નાના તાલુકા જાંબુઘોડામાં ૨૧૬ કરોડનો ખર્ચ:મનરેગા કૌભાંડ માટે DDO- DRDA Director- ગ્રામ વિકાસ કમિશ્નર- ગ્રામ વિકાસ મંત્રીની જવાબદારી ફિક્સ કરો: અમિત ચાવડા
જાંબુઘોડા તાલુકામાં ૨૦૦ કરોડ કરતા વધુનું મટીરીયલ સપ્લાય કરનાર, ગીરીરાજ ટ્રેડર્સ, ગીરીરાજ સપ્લાયર્સ, જય માતાજી સપ્લાયર્સ, ગીરીરાજ એન્ટરપ્રાઈઝના ભ્રષ્ટાચારની અને મિલ્કતોની તપાસ કરો : અમિત ચાવડા
દાહોદ
વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જે રીતે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો એના પુરાવા અને કૌભાંડો બહાર આવી રહ્યા છે ભાજપના નેતા અને તેમના નજીકના મળતિયાઓ કૌભાંડમાં સંડોવાયેલા હોય, એમના આશીર્વાદથી જ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવું ચારે તરફ સ્વયંભુ હવે ગુજરાતની જનતા બહાર આવી પુરાવાઓ સાથે સરકારને પણ રજુઆત કરી રહી છે અને વિપક્ષ તરીકે અમારી પાસે પણ આવી રહી છે. આજે ગુજરાતમાં કોઇપણ જાતના ડર વગર કોઈની પણ શરમ વગર તમામ નીતિ નિયમોને નેવે મૂકી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન છે કેન્દ્ર સરકારના બજેટમાંથી મનરેગા માટે કરોડો રૂપિયા ફાળવાય કે ગુજરાતના સામાન્ય લોકોને પોતાના ઘર આંગણે આ કાયદા હેઠળ ૧૦૦ દિવસ રોજગાર સુનિશ્ચિત થાય, એનું સ્થળાંતર અટકે, એના પરીવારની આર્થિક સ્થિતિ સુધરે એવા ઉમદા હેતુ સાથે યુ.પી.એ. સરકાર દ્વારા આ કાયદો લાગુ કરવામાં આવ્યો. અને આજે નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાનું બજેટ ગુજરાતને ફાળવવામાં આવે છે પણ આ બજેટમાંથી સ્થાનિક મજુરોને રોજગાર આપવાને બદલે આજે ભાજપના નેતાઓ અને તેમના મળતિયાઓ પોતાના ખિસ્સા અને ઘર ભરી રહ્યા છે. દાહોદમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના બે-બે પુત્રો ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે, ૧૦૦ કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર તો દેવગઢ બારિયા અને ધાનપુરના થોડા જ ગામોમાં થયો છે. દાહોદ જીલ્લાની તપાસ થાય તો ૧૦૦૦ કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે. પણ સરકાર હજી બચાવી રહી છે મંત્રી એમના પરિવાર અને નજીકના લોકોને.
એવો જ બીજો કિસ્સો પંચમહાલ જીલ્લાનો પણ બહાર આવ્યો છે. પંચમહાલ જીલ્લાનો જાંબુઘોડા તાલુકો જ્યાં આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે. જાંબુઘોડા તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતો છે. ફક્ત ૪૨૦૦૦ વસ્તી આખા તાલુકાની છે. પંચમહાલ જીલ્લામાં ૩૯ જીલ્લા પંચાયતની બેઠકો છે એમાં આખો જાંબુઘોડા તાલુકામાં ૨૬ ગામ અને ૪૨૦૦૦ની વસ્તી થઈને ફક્ત એક જીલ્લા પંચાયત છે. આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો, એક જ જીલ્લા પંચાયતમાં સમાવિષ્ટ ૪૨૦૦૦ ની વસ્તી વાળો તાલુકો, એમાં મનરેગા યોજનામાં જે કામો થયા એમાં લેબર અને મટીરીયલ પાર્ટ મનરેગા કાયદાની જોગવાઈ મુજબ મજુરોને રોજગાર આપવાનો કાયદો છે. એટલે ૬૦% રકમ ખર્ચ થવી જોઈએ, લેબર પાર્ટમાં મજુરી કામ માટે વેતન માટે અને ૪૦% રકમ ચૂકવવી જોઈએ મટીરીયલ માટે,
ભ્રષ્ટાચારનું પંચમહાલ જીલ્લાનું જે કેન્દ્ર બિંદુ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો. કારણ કે ભાજપના પંચમહાલ જીલ્લાના પ્રમુખશ્રી આ તાલુકામાંથી આવે છે. એમના આશીર્વાદથી બધું થયું હોવાની લોકો રજૂઆત અને ફરિયાદો છે. મને પણ ભાજપના કેટલા લોકો રજુઆતો અને પુરાવાઓ આપી ગયા છે. એ બધાનું કહેવું છે કે આખા જીલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ જાંબુઘોડા તાલુકો છે. અને એ લોકો એટલા માટે એમ કહે છે કે આખા જીલ્લામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં જે મટીરીયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઇ.
એટલે સમજી શકાય કે આખા જીલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરીયલ પાછળ ખર્ચ થાય છે એમાં ૫૦% જેટલો ખર્ચ એક જ તાલુકામાં થાય છે અને બાકીના ૬ તાલુકામાં ૫૦% ખર્ચ થાય છે. આખો હિસાબ કરીએ તો આખા જીલ્લામાં ૫૧૨ કરોડ રૂપિયા ચાર વર્ષમાં મટીરીયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુઘોડા તાલુકામાં ૨૧૬ કરોડ રૂપિયા મટીરીયલમાં ખર્ચ થયો. એનો સ્પષ્ટ મતલબ છે કે આ તાલુકામાં રોજગાર આપવાની ચિંતા નથી પણ મટીરીયલ સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે.
આની ફરિયાદો આજકાલથી નહી પણ સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજુઆતો થઈ છે. મેં પણ ત્રણ વખત પત્રો લખ્યા છે, સ્થાનિક કોંગ્રેસના આગેવાનો એ પણ પત્રો લખ્યા છે, પણ સરકાર તપાસ કરતી નથી ત્યારે મારે સરકારમાં બેઠેલા લોકોને પૂછવું છે કે આટલું બધું કૌભાંડ, ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાના ડી.આર.ડી.એ. ડાયરેક્ટર કે ડી.ડી.ઓ.એ આજદિન સુધી કેમ એમના ધ્યાને ના આવ્યું, એમને આજદિન સુધી કેમ તપાસ ના કરી? ત્યાંથી જે પણ આંકડા અને રીપોર્ટ, પત્રકો રેગ્યુલર ગ્રામ વિકાસ કચેરીમા આવે છે તો ગામ વિકાસ કમિશ્નરના ધ્યાને આ બાબતો કેમ નાં આવી? રાજ્ય સરકારના ગ્રામ વિકાસના મંત્રી છે એમના ધ્યાને આ હકીકતો કેમ ના આવી? એ જ રીતે ત્યાના સંસદસભ્ય છે, જે ડી.આર.ડી.એ.ની દિશા કમિટી છે, જે વિજીલન્સ કમિટી છે એના અધ્યક્ષ છે, દર ત્રણ મહીને વિજીલન્સની દિશા કમિટીની મીટીંગ ફરજીયાત મળે છે તો એમને આજદિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ નાં કર્યો? એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદાર જ ચોર છે. જે લોકોની જવાબદારી છે ચોકીદારીની, ભ્રષ્ટાચાર અટકાવવાની એવા લોકો સામેલ હોય તો જ આ શક્ય બને.
જે રીતે દાહોદ જીલ્લામાં બહાર આવ્યું, પંચમહાલ જીલ્લાની ફરિયાદો છે, કેન્દ્ર તરફથી તો આપણા વડાપ્રધાન ૨૬ તારીખે દાહોદમાં આવે છે ત્યારે મારે એમને પણ થોડી હકીકતો પહોંચાડવી છે, જે ભાજપના લોકો કેટલીક હકીકતો મને આપી ગયા કે આખું જે મટીરીયલ સપ્લાય ચાલે છે માં જાંબુઘોડા તાલુકામાં ચાર જ એજન્સીઓ સપ્લાય કરે છે. (૧) ગીરીરાજ ટ્રેડર્સ, (૨) ગીરીરાજ સપ્લાયર્સ, (૩) ગીરીરાજ એન્ટરપ્રાઈઝ, (૪) જય માતાજી સપ્લાયર. હમણાં મને કોઈએ કીધું કે આટલું મોટું કરોડોનું મટીરીયલ સપ્લાય કરતા હોય તો કોઈ મોટી એજન્સી હશે, મોટું કામકાજ હશે તો કોણ છે આ લોકો? જી.એસ.ટી. ની વેબસાઈટ ઉપરથી હમણાં જ એના ટીન નંબર હોય એ નાંખીને હકીકતો કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગીરીરાજ ટ્રેડર્સ છે જેને કરોડો રૂપિયાનું મટીરીયલ સપ્લાય કર્યું છે એના લીગલ નેઈમ ઓફ બીઝનેસ જેનું નામ છે મયંકકુમાર દેસાઈ છે જે સંભવતઃ જીલ્લા ભાજપના હાલના પ્રમુખ છે. બીજી છે ગીરીરાજ એન્ટરપ્રાઈઝ, એના માલિકનું નામ છે જીગ્નેશ સુંદરલાલ દેસાઈ, ત્રીજું ગીરીરાજ સપ્લાયર્સ એના માલિકનું નામ છે કેતુબેન મયંકકુમાર દેસાઈ જે સંભવતઃ પૂર્વ જીલ્લા પંચાયતના પ્રમુખ અને હાલના જીલ્લા ભાજપના પ્રમુખના પત્ની હોઈ શકે છે. ચોથું નામ છે જય માતાજી સપ્લાયર જેમાં નામ છે છત્રસિંહ ભરતસિંહ બારિયા. મને કોઈએ કીધું કે જીલ્લા ભાજપના પ્રમુખના ખુબ નજીકના માણસ છે એક સમયે તેમના ડ્રાઈવર પણ હતા. આમ. જે ચારેય નામ બહાર આવ્યા છે. ચારેય એજન્સીએ કેટલા કરોડનું મટીરીયલ કર્યું કે બધા
જ આંકડા રેકોર્ડ પર છે, મારી રાજ્ય સરકારને વિનંતી છે અને સાથે માંગણી પણ છે કે વડાપ્રધાનશ્રી ૨૬ તારીખે ગુજરાત આવી રહ્યા છે ત્યારે એમને પણ કહેવું છે કે ચૂંટણીમાં ભાષણો ખુબ કર્યા કે દેશમાં વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવજી હતા ત્યારે એક રૂપિયો કેન્દ્રમાંથી મોકલવામાં આવે તો નીચે ૧૦ પૈસા પહોંચે છે. આજે નરેન્દ્રભાઈના શાસનમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એમના જ ભાજપના લોકો બેઠા છે, ગુજરાતમાં તો એમના ખાસ જે પોતાના ફેસબુક કે ટ્વીટરમાં મૂકતા હતા કે હું ચોકીદાર છું, એવા ચોકીદાર બેઠા છે. અને એ જ ચોકીદારો હવે ચોરી કરે છે અને નરેન્દ્રભાઈ જે ઉપરથી એક રૂપિયો મોકલે છે પણ આ ચોકીદારો એક પૈસો પણ પ્રજા સુધી પહોંચવા દેતા નથી. મને જે ફરિયાદો મળી છે એ મુજબ ખાંડીવાવ ગામ છે એની ૧૨૫૦ની વસ્તી છે, એનો એરિયા બે સ્કેવર કી.મી.નો છે. ત્યાં જે જોબકાર્ડ ઇસ્યુ થયા છે, જે એક્ટીવ જોબકાર્ડ છે, જે સરકારની વેબસાઈટ પર અવેલેબલ છે. એવા ૧૯૬ એક્ટીવ જોબકાર્ડ છે એટલે ૧૯૬ લોકો જ કામ કરવા આવે છે. આ ગામમાં ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ સુધી ચાર વર્ષનો હિસાબ જોઈએ તો ચાર વરસમાં ૨૯ કરોડ રૂપિયાના મટીરીયલ કમ્પોનન્ટના કામનું ચુકવણું થયું છે અને ૮૦ લાખ રૂપીયાનું લેબર ચૂકવણું થયું છે. અને ૧૬૧૭ વિકાસના કામો થયા છે આ ૧૨૫૦ની વસ્તીવાળા ગામમાં, એવી રીતે જાંબુઘોડા જે તાલુકા પ્લેસ છે ત્યાં બધાને ખ્યાલ હશે કે ૫૦% ગામ તો નાની- મોટી દુકાનો, ધંધા-વેપાર સાથે જોડાયેલ લોકો રહે છે, કોઈ ખેતીનું કે પશુપાલનનું કામ નથી કરતા એ ગામની વસ્તી છે ૨૭૩૧, ગામનો વિસ્તાર છે ૦.૭૫ સ્કવેર કી.મી. છે એટલે કે એનું રેવન્યુ કહેવાય એ ૭૫ હેક્ટરનું છે. ત્યાં એક્ટીવ જોબકાર્ડ હોલ્ડરો છે ૮૯૪, ત્યાં છેલ્લા ચાર વર્ષમાં ૨૦૪૦ જેટલા વિકાસના કામો ખાલી મનરેગા યોજનામાં થયા છે થયા છે બીજી યોજના તો અલગ છે. એમાં ૧૭.૬૨ કરોડ રૂપિયાનું મટીરીયલ વપરાયું છે અને ૪૬.૯૬ એટલે કે ૪૭ લાખ રૂપિયા લેબર માટે ચૂકવાયા છે એવા આંકડા છે. ત્રીજું ગામ છે કરા, જેની વસ્તી ૧૨૦૦ છે, ગામનું ક્ષેત્રફળ છે ૨.૪૭ સ્ક્વેર કી.મી. એ ગામમાં એક્ટીવ જોબકાર્ડ હોલ્ડરો છે ૪૭૮, એ ગામમાં ૧૪૩૮ કામો થયા છે ચાર વર્ષમાં, જેમાં મટીરીયલ પાર્ટ લેખે ૨૬.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને લગભગ ૨૫ લાખ રૂપિયાનો લેબર ખર્ચ થયો છે. આ માત્ર થોડા જ ગામના આંકડા છે મારી પાસે ૨૬ ગામના આંકડા છે. આ બધી હકીકતો જોઈએ તો એટલું ચોક્કસ છે કે આટલો મોટો ભ્રષ્ટાચાર હોય, જેમ દાહોદમાં ત્રણ જ ગામની તપાસ થઈ અને ૭૧ કરોડની એફ.આઈ.આર. થઈ અને મંત્રીશ્રીના બે પુત્રો આજે જેલમાં છે પણ નૈતિકતા નહી હોવાને કારણે રાજીનામું નથી આપતા, સરકારમાં નૈતિકતા નથી, હિંમત નથી એટલે એમને મંત્રી મંડળમાંથી દુર પણ નથી કરતા, ત્યાં આ બીજો ભ્રષ્ટાચારનો મુદ્દો બહાર આવ્યો છે કે હવે ભાજપના જીલ્લાના પ્રમુખ છે એ જ વિસ્તારમાંથી પૂર્વ જીલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે એમને ત્યાં પણ જો તપાસ થાય તો હું ચોક્કસ કહું છું કે ૧૦૦ કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવશે. ત્યાં સ્થળ પર હકીકતો, ફરિયાદો મને મળી છે કે અનેક કામો એવા છે કે જ્યાં સ્થળ પર એક પથ્થર પણ નાખવામાં નથી આવ્યો કે એક ઈંટ પણ મુકવામાં નથી આવી અને બારોબાર એના ચૂકવણા કરવામાં આવ્યા છે. ત્યાં જેટલા લોકો વસવાટ નથી કરતા, પશુપાલન નથી કરતા જેને ત્યાં પશુ જ નથી એવા સેંકડો લોકોને ત્યાં કેટલશેડ મંજુર કર્યા છે એવા બતાવીને એનું બારોબાર બીલ ચુકવવામાં આવ્યું છે. અનેક જગ્યાએ ઓછું કામ કરીને વધારે કામના બીલો ચુકવવામાં આવ્યા છે, ગુણવત્તાના પણ પ્રશ્નો છે, ખોટા અને બોગસ જોબકાર્ડ ઇસ્યુ કરીને એના લેબર કમ્પોનન્ટ છે એમાં પણ મોટું કરપ્શન છે એવી ફરિયાદો છે, ત્યારે સરકારમાં થોડી પણ ઈચ્છા શક્તિ હોય, આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીમાં ભ્રષ્ટાચારને નાબુદ કરવાની થોડી પણ મક્કમતા હોય તો વિજીલન્સની તપાસ કરાવે, અને દેશના વડાપ્રધાનશ્રી ગુજરાત આવતા હોય ત્યારે એમની પાસે પણ માંગણી કરવી છે કે આજ પ્રજાના પરસેવાના ટેક્ષના પૈસા છે એને તમારા કહેવાતા ચોકીદારો ખુલ્લેઆમ લુંટતા હોય, કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય, કેન્દ્ર સરકારનું બજેટ હોય તો સેન્ટ્રલ ગવર્નમેન્ટમાંથી પણ વિજીલન્સની એક ટીમ મોકલવી જોઈએ અને મનરેગા યોજનાના ભ્રષ્ટાચારની તપાસ કરાવવી જોઈએ, જો સરકાર પારદર્શક હશે, સરકારની ઈચ્છાશક્તિ હશે, સરકાર ભ્રષ્ટાચારને નાબુદ કરવા માગતી હશે અને એમને મળતિયાઓ, ચોકીદારો ચોરી કરી રહ્યા છે એની સામે કાર્યવાહી કરવા માગતી હોય તો સરકારે તાત્કાલિક વિજીલન્સની ટીમ મોકલવી જોઈએ અને તેમાં જે ભ્રષ્ટાચારના આક્ષેપો છે, પુરાવાઓ છે એની તપાસ કરાવવી જોઈએ અને જે પણ જવાબદાર લોકો હોય એમને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ.