
હરિયાણાના પંચકુલા શહેરમાં સોમવારે મોડી રાત્રે એક અત્યંત કરુણ અને સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. જ્યાં દિલ્હીના બુરાડી સામૂહિક આત્મહત્યા જેવી જ એક ઘટનામાં દેહરાદૂનના એક જ પરિવારના સાત સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. પંચકુલાના સેક્ટર ૨૭માં એક ઘરની બહાર રસ્તા પર પાર્ક કરેલી બંધ કારમાંથી સાતેય લોકોના મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જાેકે તેમાં શું લખ્યું છે તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ, દેહરાદૂનના ૪૨ વર્ષીય પ્રવીણ મિત્તલ પોતાના પરિવાર સાથે પંચકુલામાં આયોજિત બાગેશ્વર ધામની હનુમાન કથા કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ દેહરાદૂન પરત ફરતી વખતે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. મૃતકોમાં પ્રવીણ મિત્તલ, તેમના માતા-પિતા, પ્રવીણની પત્ની અને બે પુત્રીઓ તેમજ એક પુત્ર સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર ભારે દેવા અને ગંભીર આર્થિક સંકટમાં ફસાયેલો હતો. પંચકુલાના ડીસીપી હિમાદ્રી કૌશિકે જણાવ્યું કે પરિવાર પર ઘણું દેવું હોવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું હોવાની શક્યતા છે, પરંતુ સ્થિતિ હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. પોલીસ ટીમ હાલ તપાસમાં વ્યસ્ત છે. પરિવારના નજીકના લોકોએ પણ પુષ્ટિ કરી છે કે પ્રવીણ મિત્તલે થોડા સમય પહેલા દેહરાદૂનમાં ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય શરૂ કર્યો હતો, જેમાં તેમને ભારે નુકસાન થયું હતું.
ઘટનાની જાણ થતા જ પંચકુલાના પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ માટે જરૂરી નમૂના એકત્ર કર્યા હતા. હાલમાં, સાતેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પંચકુલાની ખાનગી હોસ્પિટલોના શબઘરમાં રાખવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ભારે સનસનાટી અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આત્મહત્યાના ચોક્કસ કારણો પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.