મહારાષ્ટ્રના બીડમાં ભયાનક માર્ગ અકસ્માત, ડિવાઈડર પર ચઢેલી કાર હટાવી રહેલા ૬ લોકોને ટ્રકે કચડયા

Spread the love

 

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં સોમવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં છ લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટના રાત્રે આશરે ૮:૩૦ વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-પર પર બની હતી, જ્યાં એક અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી રહેલા લોકોને એક તેજ રફતાર ટ્રકે કચડી નાખ્યા હતા. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને જણાવ્યું હતું કે, ગેવરાઈના દીપક અટકરે દ્વારા ચલાવવામાં આવી રહેલી એક કાર ગઢી ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-પરના એક ભાગ પર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આ અકસ્માત બાદ, કેટલાક લોકો કારને રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ દરમિયાન જ એક તેજ રફતાર ટ્રકે વાહન હટાવી રહેલા આ લોકોને કચડી નાખ્યા હતા. આ ગમખ્વાર ઘટનામાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ બાલુ અટકરે, ભાગવત પરાલકર, સચિન નન્નાવરે, મનોજ કરાડે, કૃષ્ણ જાદવ અને દીપક સુરૈયા તરીકે થઈ છે. આ તમામ મૃતકો બીડના ગેવરાઈ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે ટ્રક ચાલકને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *