
બ્રિટનના લીવરપુલમાં ગઈકાલે એક ત્રાસવાદી જેવા હુમલામાં એક વ્યક્તિએ પ્રિમિયર લીગ ફુટબોલ ટ્રોફીના વિજયની ઉજવણી કરી રહેલા હજારો લોકો પર ઓચિંતી કાર ચડાવી દીધી હતી અને તેણે આ ફુટબોલ ચાહકોને આડેધડ કચડવાનું શરૂ કરી દીધુ હતું. જેમાં ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાં કેટલાકની હાલત ગંભીર માનવામાં આવે છે. પોલીસે આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે ૫૩ વર્ષના બ્રિટીશ નાગરિક જ છે અને સ્થાનિક જ રહેવાસી છે. જાે કે પોલીસે હજું આ હુમલાનો હેતુ શું હતો તે જાહેર કર્યુ નથી. પ્રીમીયર લીગમાં વિજયના આ સરઘસમાં કોચ અને કેટલાક ખેલાડીઓ પણ જાેડાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ઉજવણીમાં વ્યસ્ત લોકો પર અચાનક જ એક કાર ધસી આવી હતી અને ચાલકે ટોળાની વચ્ચે કાર ઘુસાડી હતી જેથી નાસભાગ-ચીસાચીસ મચી હતી. કેટલાકે કારને રોકવાની કોશીશ કરી તેઓને પણ ઈજા થઈ હતી અંતે ટોળા વચ્ચે જ કાર રોકાઈ હતી. ઉશ્કેરાયેલા લોકોએ ચાલકને બહાર કાઢીને તેને મારવાનું શરૂ કર્યુ હતું ત્યાંજ પોલીસ ધસી આવી હતી અને કાર ચાલકને ટોળાના હાથમાંથી છોડાવી બહાર લઈ ગઈ હતી. ઘટના સ્થળે ઘાયલોને સ્થળ પર જ સારવાર અપાઈ હતી અને કેટલાક ગંભીરને નજીકની હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જાે કે થોડીજ મીનીટ પુર્વે લીવરપુલ ટીમને લઈ જતી બસ આ ઉજવણીની બાજુમાંથીજ લોકોનું અભિવાદન ઝીલતા પસાર થઈ હતી. છેલ્લે આ ટીમે કોરોનાકાળના પ્રારંભે આ ટ્રોફી જીતી હતી પણ કોરોનાના કારણે કોઈ ઉજવણી થઈ ન હતી.