મુંબઈ ,
મુંબઈની ‘લાઈફલાઈન’ કહેવાતી લોકલ ટ્રેનો હવે ડેથ ટ્રેક પર દોડી રહી છે. મુંબઈ સ્ટેશન પર અકસ્માત અંગે સવાલો ઉભા થઈ રહ્યાં છે. એક આરટીઆઈના સવાલ મુજબ, છેલ્લાં ત્રણ વર્ષમાં મુંબઈ લોકલમાં મુસાફરી કરી રહેલાં 7,560 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જ્યારે 7,293 ગંભીર રીતે ઘાયલ થયાં છે. મુંબઈ રેલવે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈની પૂછપરછમાં આ ખુલાસો થયો છે. સસ્તી, ઝડપી અને સુલભ સ્થાનિક મુસાફરી હવે જોખમી બની રહી છે.
વધુ પડતી ભીડ, મર્યાદિત લોકલ ટ્રિપ્સ, અપૂરતી સુવિધાઓ, સ્ટેશનના પ્રવેશદ્વારો પર સુરક્ષાનો અભાવ અને પાટા નજીક બેરિકેડિંગનો અભાવ એ કેટલાક પરિબળો છે જે સ્થાનિક ટ્રેન અકસ્માતો તરફ દોરી જાય છે
સામાજિક કાર્યકર્તા સમીર ઝવેરીના જણાવ્યા અનુસાર મધ્ય રેલવેના રૂટ પર સૌથી વધુ અકસ્માતો થાણે અને કલ્યાણ વચ્ચે થયા છે. થાણે અને કલ્યાણ જીઆરપી પોલીસ સ્ટેશનમાં 2024 માં સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે.
જેમાં કુલ 387 લોકોના મોત થયાં હતાં અને 788 લોકો ઘાયલ થયાં હતાં. એકલા કલ્યાણમાં જ 116 મૃત્યુ અને 157 ઘાયલ થયા હતાં, જ્યારે થાણેમાં 68 મૃત્યુ અને 107 ઇજાઓ નોંધાઈ હતી. આમાંથી મોટા ભાગનાં કિસ્સાઓમાં લોકો ચાલતી ટ્રેનમાંથી પડી ગયા હતાં અને મૃત્યુ પામ્યાં હતાં.