ઈઝરાયલે ઈરાનના પરમાણુ સ્થળો અને વરિષ્ઠ કમાન્ડરોને નિશાન બનાવીને હુમલો કર્યો. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈઝરાયલી હુમલાને ખૂબ જ સફળ પ્રારંભિક હુમલો ગણાવ્યો. જો કે સામે ઈરાને પણ જવાબી કાર્યવાહી કરતાં મિસાઈલો છોડી. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવે વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. જાણો કયો દેશ આ યુદ્ધમાં કોને સમર્થન આપે છે.
કયો દેશ કોની સાથે ?
ઇઝરાયલને સમર્થન આપનારા દેશોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. તે જ સમયે ઇરાનને ટેકો આપનારા દેશોમાં રશિયા, ચીન, ઇજિપ્ત, તુર્કી, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, ઇરાક, ઓમાન, સાઉદી અરેબિયા, કતાર, સંયુક્ત આરબ અમીરાત, લેબનોન, હમાસ, અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જેમણે બંને દેશોને તણાવ ઓછો કરવા અપીલ કરી છે તેમાં સંયુક્ત રાષ્ટ્ર, ભારત, જાપાન, આયર્લેન્ડ, આફ્રિકન યુનિયન, યુરોપિયન યુનિયન, ઇટાલીનો સમાવેશ થાય છે.
દુનિયાની પ્રમુખ સંસ્થાઓએ આ મામલે શું કહ્યું
સંયુક્ત રાષ્ટ્ર
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સંયમ રાખવાની હાકલ કરી છે. તેમણે કહ્યું કે મહાસચિવ મધ્ય પૂર્વમાં આ તણાવની નિંદા કરે છે. તેઓ ખાસ કરીને ઈરાનમાં પરમાણુ સ્થળો પર ઇઝરાયલના હુમલાઓ અંગે ચિંતિત છે, જ્યારે ઈરાનના પરમાણુ કાર્યક્રમની સ્થિતિ પર ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે.
IAEA
યુએન પરમાણુ નિરીક્ષક સંસ્થાના વડા રાફેલ ગ્રોસીએ કહ્યું કે પરમાણુ સુવિધાઓ પર ક્યારેય હુમલો ન કરવો જોઈએ. પરમાણુ સુવિધાઓની સલામતી અને સુરક્ષાને જોખમમાં મૂકતી કોઈપણ લશ્કરી કાર્યવાહી ઈરાન, પ્રદેશ અને તેનાથી આગળના લોકો માટે ગંભીર પરિણામો તરફ દોરી શકે છે.
NATO
નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટેએ જણાવ્યું હતું કે ઇઝરાયલના સાથી દેશોએ તણાવ ઘટાડવા માટે કામ કરવું મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે હવે યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણા સાથી દેશો માટે તણાવ ઘટાડવા માટે કામ કરી રહ્યા છે.