ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી તથા રાજકોટના પનોતા પુત્ર સ્વ.વિજયભાઈ રૂપાણીને આજે રાજકોટે અશ્રુભીની અંતિમ વિદાય આપી હતી. ગત સપ્તાહે અમદાવાદમાં સર્જાયેલી વિમાની દુર્ઘટનામાં શ્રી રૂપાણીનુ નિધન થયુ હતુ. ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા બાદ આજે તેમનો પાર્થિવ દેહ કુટુંબીજનોને સુપ્રત થયા બાદ ખાસ વિમાનમાં રાજકોટના એ જ આંતરરાષ્ટ્રીય વિમાની મથકે લેવાયો હતો. જે એરપોર્ટની ભેટ સ્વ.રૂપાણીએ રાજકોટને આપી હતી.
શહેરના પ્રવેશદ્વાર જેવા ગ્રીનલેન્ડ ચોકડીએ આજે ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તથા શહેરીજનોએ એરપોર્ટથી અંતિમયાત્રા વાન ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચતા જ અહી ઉપસ્થિત મેદનીએ સ્વ.ને વિજયભાઈ તુમ અમર રહોના નાદથી યાદ કર્યા હતા. લગભગ પાંચ દશકા સુધી રાજકોટને કર્મભૂમિ બનાવીને સ્વ.રૂપાણીએ મહાનગરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગ્રીનલેન્ડ ચોકડીથી જેમ જેમ અંતિમયાત્રા આગળ વધતી હતી. તેમ તેમ માર્ગો પર ભીડ વધતી ગઈ હતી. માર્ગોના બન્ને છેડે હજારો લોકોએ સ્વ.ને પુષ્પાંજલી આપી હતી. તેમની અંતિમયાત્રામાં પુત્ર ઋષભ રૂપાણી સહિતના કુટુંબીજનો જોડાયા હતા અને અંતિમયાત્રા બાદમાં સ્વ.ના નિવાસ પ્રકાશ સોસાયટીએ પહોંચી હતી જયાં પાંચ દશકા સુધી તેઓને સાથે રહેનાર અને કુટુંબીજન જેવા લોકોનો પાર્થિવ દેહ વાનને જોઈને જ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા.
સાંજે પાંચ વાગ્યે તેમના નિવાસેથી સ્મશાનગૃહ સુધીની યાત્રા પુર્વે જ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા અને ભાજપના સંગઠન મહામંત્રી બી.આર.સંતોષ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રમુખ શ્રી સી. આર.પાટીલ, રાજયપાલ આચાર્ય દેવવ્રત વિ. મહાનુભાવો પણ જોડાયા હતા. આજે સમગ્ર મહાનગરમાં એક જબરુ શોક સભર વાતાવરણ બની ગયુ છે. રાજકોટના ઈતિહાસમાં આટલું ભવ્ય અંતિમ વિદાય ભાગ્યે જ કોઈને મળી છે અને આજે મેઘરાજાએ પણ વિજયભાઈના પાર્થિવ દેહને અંજલી આપતા હોય તેમ અમીછાટણા કર્યા હતા.







