


ગાંધીનગરના કુડાસણમાં સ્થિત અક્ષત હેવન ફ્લેટના એક મકાનમાં ગઈકાલે મોડી રાતે કોઇ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મૂળ મધ્યપ્રદેશની આશરે 27 વર્ષીય અંકિતા મહેશ ભાઈ ગંગવાલનું પલંગ સૂતા સૂતા જ સળગી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ યુવતી ગાંધીનગરના સાદરા ગામની બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરતી હતી. આ મામલે ઈન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગનું ચોક્ક્સ કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવાઈ છે.
ગાંધીનગરના કુડાસણમાં આવેલ અક્ષત હેવન સોસાયટીના ચોથા માળે આવેલ ફ્લેટ નંબર – એચ/402 માં ગઈકાલે મોડી રાતે કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. આગ લાગતા વસાહતીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. આગના પગલે પગલે સોસાયટીમાં રહેતા રાજભાઈ નામના વ્યક્તિએ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આથી ફાયર બ્રિગેડના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.
જ્યાં ફ્લેટનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હોવાનું જણાઈ આવતાં ફાયર બ્રિગેડની ટીમ દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી હતી. અને બેડરૂમમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લેવાયો હતો. જો કે આ આગમાં બેડરૂમમાં પલંગ પર સૂતલ અંકિતા નું સળગી જવાથી મોત નીપજ્યું હતું. આ અંગે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે કહ્યું કે, ચોથા માળના 1BHK ફ્લેટના બેડરૂમ માં આગ લાગી હતી. અમે દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ આગમાં યુવતી પલંગ ઉપર જ સળગેલ હાલતમાં મળી આવી હતી. ઘરમાં ફ્રીજ, એસી સહિતનો સામાન હતો. પરંતુ આગનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી.
આ બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.આ અંગે ઈન્ફોસિટી પીઆઈ વી. આર. ખેરે જમાવ્યું કે, અંકિતા સાદરા ગામની બેંક ઓફ ઈન્ડિયાની બ્રાંચમાં નોકરી કરતી હતી. જે છેલ્લા છ એક મહિનાથી અહીં ભાડેથી રહેતી હતી. આગમાં યુવતી સળગી જવાથી મોતને ભેટી છે. આ આગ કેવી રીતે લાગી એ જાણવા એફ.એસ.એલ ની મદદ લેવાઈ છે. જેનાં રિપૉર્ટ પછી જ ચોક્ક્સ કારણ બહાર આવશે. મૃતકના પરિવારજનો MPથી આવવા રવાના થઈ ગયેલા છે.