12 જૂનના રોજ અમદાવાદમાં ટેકઓફ થયા પછી તરત જ એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. 12 મેના રોજ થયેલા આ પ્લેન ક્રેશમાં, એક મુસાફર સિવાય, બધા 270થી વધુ લોકોનાં મોત થયા હતા. જે મેડિકલ કોલેજ કેમ્પસમાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં રહેતા લોકો પણ તેનો શિકાર બન્યા હતા. આ અકસ્માત અંગે ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જોકે, આ ભયાનક અકસ્માતનું સત્ય અકસ્માતની તપાસ પૂર્ણ થયા પછી જ બહાર આવશે. વિમાન ક્રેશ થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, જોકે, એન્જિનમાં ખામી સર્જાવાને કારણે આ ભયંકર અકસ્માત થયો હોવાનું મનાઈ રહ્યું છે. આવા અકસ્માત એરપોર્ટ પર પૂરી કાળજી ના રાખતા થાય છે અને અમદાવાદ જેવા ઘણા એરપોર્ટ મૂળભૂત સલામતી ધોરણોને પૂર્ણ કરતા નથી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના નિયમો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ની માંગણીઓ અને 2019ના નિરીક્ષણ અહેવાલ બધું છે, છતાં અકસ્માત થયો. ઓબ્સ્ટેકલ લિમિટેશન સરફેસ (OLS) મુજબ, રનવેની આસપાસ કોઈ કાયમી બાંધકામ કે રહેણાંક મકાન હોવું જોઈએ નહીં, પરંતુ અમદાવાદ એરપોર્ટ આ ધોરણોને પૂર્ણ કરતું નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે વિમાન દુર્ઘટના માત્ર ટેકનિકલ ખામી જ નહોતી, પરંતુ સંસ્થાકીય અને વહીવટી સ્તરે પણ નિષ્ફળતા હતી. 2018માં, AAIએ અમદાવાદ એરપોર્ટ પર બફર ઝોન માટે ગુજરાત સરકાર પાસેથી 29.79 એકર જમીન માંગી હતી. તેને મંજૂરી પણ મળી ગઈ હતી, પરંતુ જમીન મેળવવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. કારણ એ છે કે અહીં 350 પરિવારો રહે છે. તેમને દૂર કરવા રાજકીય રીતે સંવેદનશીલ છે. દેશમાં ફ્લાઇટ્સ અને મુસાફરોની સંખ્યા વધી રહી છે, પરંતુ રનવે સલામતી, બફર ઝોન અને OLS જેવા મૂળભૂત મુદ્દાઓ પર ગંભીર ભૂલો હજી પણ યથાવત છે.
DGCAના એરોડ્રોમ ઇન્સ્પેક્ટર હેન્ડબુક અને સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટ્સ (CAR) અનુસાર, દરેક રનવે પર 90 થી 240 મીટર સુધીનો રનવે એન્ડ સેફ્ટી એરિયા (RESA) હોવો આવશ્યક છે. DGCA ના વાર્ષિક નિરીક્ષણ અહેવાલો અને એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના અભ્યાસ દર્શાવે છે કે દેશના ઘણા એરપોર્ટ RESA, OLS અથવા જમીન સંપાદન જેવા મૂળભૂત પરિમાણોને પૂર્ણ કરતા નથી. ત્રિવેન્દ્રમ, કોઈમ્બતુર, મૈસુર અને મેંગલુરુ જેવા શહેરોમાં, રનવે વિસ્તરણ અથવા સલામતી ઝોન માટે માંગવામાં આવેલી જમીન સંપૂર્ણ રીતે આપવામાં આવી નથી. તેવી જ રીતે, ગ્વાલિયર (મધ્યપ્રદેશ) માં રનવે વિસ્તરણનો પ્રસ્તાવ વર્ષોથી અટવાયેલો છે. હિસાર (હરિયાણા) ખાતે ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે, પરંતુ ટેક્સીવે અને રનવે નજીક OLS સંબંધિત સમસ્યાઓ યથાવત છે. કુશીનગર (ઉત્તર પ્રદેશ) ખાતે, ટર્મિનલ તેમજ એપ્રોચ પાથ અને રનવે સુધારા અધૂરા છે. સિમલા (હિમાચલ) ખાતેનો રનવે ફક્ત 1189 મીટર લાંબો છે. પહાડી ઢોળાવને કારણે, ન તો RESA કે ન તો રનવેનું વિસ્તરણ શક્ય છે. જેસલમેર (રાજસ્થાન) ખાતે, રનવેને સેના સાથે શેર કરાય છે. અહીં રનવેના વિસ્તરણ માટે કોઈ સ્પષ્ટ યોજના નથી. મહારાષ્ટ્રમાં પુણે નજીક પ્રસ્તાવિત પુરંદર એરપોર્ટ 2016થી ખેડૂતોના વિરોધને કારણે અટકી પડ્યું છે. પટના એરપોર્ટ રનવે ચારે બાજુ ગીચ વસ્તી, રેલવે લાઇન અને પ્રાણી સંગ્રહાલયથી ઘેરાયેલું છે. અહીં ન તો RESA બનાવી શકાય છે અને ન તો રનવે લંબાવી શકાય છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મંગળવારે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાએ 12 થી 17 જૂન વચ્ચે બોઇંગ 787 ફ્લાઇટ્સ સહિત 66 ફ્લાઇટ્સ રદ કરી હતી. DCGA એ કહ્યું- 12 જૂનની ઘટના પછી, એર ઇન્ડિયાના બોઇંગ 787 સીરીઝના ડ્રીમલાઇનરની તપાસ કરવામાં આવી હતી, જેમાં સલામતી અંગે કોઈ મોટી વાત આવી નહોતી. DCGA એ જણાવ્યું હતું કે વિમાનનું મેન્ટેનન્સ વર્તમાન સુરક્ષા નિયમો અનુસાર હોવાનું જાણવા મળ્યું છે. એર ઇન્ડિયાના કાફલામાં 33 બોઇંગ 787- 8/9 વિમાન છે. મંગળવારે DGCA એ એર ઇન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં, DGCA એ એરલાઇનને વિમાન સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવા, ફ્લાઇટ ઓપરેશનને કડક બનાવવા અને ફ્લાઇટ પ્રસ્થાન સમયસર શેડ્યૂલ કરવા સૂચના આપી છે.