નેશનલ ઈન્ટેલીજન્સ ડિરેકટર પદેથી રાજીનામુ આપે તેવી શકયતા :
ટ્રમ્પે પણ કહ્યું તે શું માને છે તેની હું ચિંતા કરતો નથી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવે તેવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય સામે હવે ટ્રમ્પ શાસનમાં જ વિરોધ શરુ થયો છે અને ખાસ કરીને અમેરિકાના નેશનલ ઈન્ટેલીજન્સ ડિરેકટર તુલસી ગાબાર્ડ આ પ્રકારના નિર્ણયના વિરોધમાં છે. તેઓ માને છે કે, અમેરિકાએ આ યુદ્ધમાં દરમ્યાનગીરી કરવી જોઈએ નહી અને તેઓ વ્હાઈટ હાઉસના નિર્ણયથી અલગ પડતા જ રાજીનામુ આપે તેવી શકયતા નકારાતી નથી. માર્ચ મહિનામાં જ તેઓએ અમેરિકી સેનેટ સમક્ષ જે પોતાની નિયુક્તિને વ્યાજબી ગણાવતી દલીલ કરી હતી કે તે સમયે એવું જણાવ્યું હતું કે ઈરાન અણુશસ્ત્ર બનાવી રહ્યું છે તેવું પણ અમે માનતા નથી. આમ ઈરાન મુદે તેમણે ટ્રમ્પ શાસન અને ઈઝરાયેલ બંનેથી અલગ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું અને હવે તેઓએ ઈરાન સામે મીલીટ્રી એકશનમાં પણ સંમત નહી હોવાનું પ્રમુખને જણાવી દીધુ છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે એવો જવાબ આપ્યો હતો કે તુલસી ગાબાર્ડ શું માને છે તેની હું ચિંતા કરતો નથી. હું માનુ છું કે, ઈરાન અણુશસ્ત્ર બનાવવાની અત્યંત નજીક હતી. આમ જે રીતે તેમના જ તંત્રના નેશનલ ઈન્ટેલીજન્સ ડિરેકટર સાથે ટ્રમ્પે મતભેદ વ્યક્ત કર્યા તે પછી તુલસી ગાબાડ રાજીનામુ આપે તેવા સંકેત છે.