
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે વસતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરીકોને હાંકી કાઢવા માટે અભિયાન શરૂ કરાયું હતું. જેમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાંથી ગેરકાયદે વસતા બાંગ્લાદેશી નાગરીકોની અટકાયત કરીને તેમને તેમના વતનમાં મોકલી દેવાયા હતાં. આ ઉપરાંત અમદાવાદમાં મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા વિસ્તારમાંથી પણ તેમને હાંકી કાઢીને ડિમોલિશન કરી દેવાયું હતું. આ અભિયાન ચાલુ હોવાથી સતત ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની ચાંપતી નજર હતી. રાજ્યમાં પોલીસે આ અભિયાન હેઠળ છેલ્લા 100 કલાકમાં 200થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યાં છે.
ગુજરાતમા ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને પકડવાના અભિયાનમાં સુરત પોલીસે 36 કલાકમાં 109 બાંગ્લાદેશીઓને પકડી પાડ્યાં છે. નવ બાંગ્લાદેશીઓને સુરત ગ્રામ્ય પોલીસ ઝડપી પાડ્યા છે.જ્યારે ભરૂચ પોલીસે 46 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડ્યાં છે. કચ્છમાં પણ એક બાંગ્લાદેશી મહિલા પકડાઈ છે. પોલીસના અભિયાનમાં પકડાયેલા બાંગ્લાદેશીઓને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓને પકડવા એક અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનમાં પોલીસને સફળતા મળી છે અને હું પોલીસને અભિનંદન પાઠવું છું.
અમદાવાદના ચંડોળામાંથી હાંકી કાઢવામાં આવેલા બાંગ્લાદેશીઓ રાજ્યના અન્ય વિસ્તારમાં ઘૂસી ગયા હતાં. તેમને શોધવા માટે પોલીસ સક્રિય થઈ હતી. આ અભિયાન હેઠળ પકડાયેલા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમને હવે તેમના વતનમાં મોકલી દેવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. ચંડોળામાંથી બાંગ્લાદેશીઓને હાંકી કાઢ્યા બાદ ત્યાં જમીન સપાટ કરી દેવાઈ છે. હવે ત્યાં કોર્પોરેશન દ્વારા નવા વિકાસ કામો શરૂ કરવામાં આવશે. ચંડોળાનો કાટમાળ અને માટીનો સદુપયોગ કરવામાં આવશે.