
અમદાવાદ જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણી એસ.જી.વી.પી ગુરુકુળ ખાતે કરાશે : ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે પોલીસ વિભાગ દ્વારા યોગ દિવસની ઉજવણી કરાશે
અમદાવાદ
સમગ્ર અમદાવાદ જિલ્લામાં ૧૧મા વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે આયોજનની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઈ હતી.
બેઠક બાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકારો સાથે વાત કરતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, યોગને વૈશ્વિક ઓળખ મળી છે, જેના પગલે દર વર્ષે યોગ દિવસની ઊજવણી કરવામાં આવે છે.
જિલ્લા કલેકટરશ્રીએ યોગ દિવસની ઉજવણી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં જિલ્લા કક્ષાની ઉજવણી એસ.જી.વી.પી. ગુરુકુળ, છારોડી ખાતે યોજાનાર છે. જેમાં ૨૦૦૦થી વધુ લોકો સહભાગી થનાર છે. અમદાવાદ જિલ્લામાં કુલ ૧૪૬૪ સ્થળો પર યોગનો કાર્યક્રમ યોજાશે, જેમાં અંદાજે સવા ત્રણ લાખ લોકો યોગ કરશે, એવું તેમણે ઉમેર્યું હતું.
કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે વિશ્વ યોગ દિવસની થીમ – યોગા ફોર વન અર્થ, વન હેલ્થ (‘Yoga for One Earth One Health) અને ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુકત ગુજરાત’ છે. યોગ થકી જાહેર સુખાકારી વધારવાનો ઉદ્દેશ છે. લોકો સ્વેચ્છાએ યોગને પોતાની જીવનશૈલીમાં સામેલ કરે અને નિરામય બની રહે, એવી આશા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કલેક્ટર શ્રી સુજીત કુમારે વધુમાં જણાવ્યું હતું કે, યોગ પ્રોટોકોલ પ્રમાણે સવારે ૦૫:૪૫થી ૦૮:૦૦ કલાક સુધી યોગ દિવસની ઉજવણી થનાર છે, જેમાં સવારે ૦૬:૨૦ થી ૦૭:૦૦ વાગ્યા સુધી મહાનુભાવોનાં વક્તવ્યો થશે અને ત્યાર બાદ ૦૭:૦૦થી ૦૭:૪૫ દરમિયાન કૉમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવાશે અને ત્યાર બાદ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થશે.કલેકટરશ્રીએ ખાસ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આદર્શ આચારસંહિતાનો કોઈ પણ પ્રકારે ભંગ ન થાય, તેની સંપૂર્ણ કાળજી યોગ દિવસની ઉજવણીમાં લેવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી દીધી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટે માહિતી આપી હતી કે અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા યોગ દિવસની ઉજવણીનું ખાસ આયોજન કરાયું છે, જેમાં સ્થાનિક લોકો, યુવાનો અને પોલીસ જોડાશે.
પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, નિવાસી અધિક કલેકટર શ્રી ભાવિન સાગર સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત તા.૧૫મી જૂનથી ૨૧ જૂન દરમિયાન શાળાનાં બાળકો તથા યુવાનો સાથે યોગ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થનાસભા સાથે યોગાભ્યાસ ઉપરાંત ચિત્રસ્પર્ધા, વક્તૃત્વસ્પર્ધા, નિબંધ-લેખન સ્પર્ધા, રંગોળી સ્પર્ધા વગેરે સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિના પ્રયાસો કરાઈ રહ્યાં છે. જિલ્લામાં વાલીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલાં મહત્ત્વપૂર્ણ સ્થળો પર યોગને પ્રોત્સાહન આપવા માટે સેલ્ફી પોઇન્ટ્સ બનાવવાનું પણ આયોજન છે.