Gujarat New Expressway Projects: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિકારી ફેરફારો માટે બે નવા ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે જાહેર કરવામાં આવ્યા છે – નમોશક્તિ એક્સપ્રેસવે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે. આ બંને પ્રોજેક્ટ લગભગ 93,000 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે, જે રાજ્યના 13 જિલ્લાઓમાંથી પસાર થશે અને રાજ્યની લગભગ 45% વસ્તી માટે સીધો લાભ આપશે.
નમોશક્તિ એક્સપ્રેસવે: ડીસાથી પીપાવાવ સુધી 430 કિ.મી.નો માર્ગ
₹36,120 કરોડના ખર્ચે વિકસિત થનારો નમોશક્તિ એક્સપ્રેસવે ઉત્તર ગુજરાતમાં ડીસાથી શરૂ થઈ પીપાવાવ સુધી પહોંચશે. 430 કિ.મી. લાંબો આ માર્ગ રાજ્યના મહત્વના ઔદ્યોગિક વિસ્તાર સુધી ઝડપી જોડાણ પૂરુ પાડશે.
સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે: પશ્ચિમ ગુજરાત માટે 680 કિ.મી.નો સુગમ માર્ગ
₹57,120 કરોડના ખર્ચે નિર્માણ પામનારો સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે અમદાવાદ, રાજકોટ, દ્વારકા સહિત પશ્ચિમ ગુજરાતના મુખ્ય વિસ્તારોને જોડશે. 680 કિ.મી. લાંબો આ રસ્તો પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રોને બૂસ્ટ કરશે.
પોર્ટ જોડાણથી થશે લોજિસ્ટિક્સમાં સુધારો
બન્ને એક્સપ્રેસવે રાજ્યના મહત્વપૂર્ણ બંદરો સુધી ઝડપી જોડાણ પૂરુ પાડશે, જેને કારણે વેપાર-ઉદ્યોગમાં વૃદ્ધિ થશે તથા ગુજરાતનો અન્ય પ્રદેશો સાથેનો સંપર્ક વધુ મજબૂત બનશે.
અમદાવાદ-રાજકોટ કોરિડોર ઔદ્યોગિક વિકાસ માટે ગેમચેન્જર બનશે
આ માર્ગો ધોલેરા-મુંબઇ ઔદ્યોગિક કોરિડોરનો એક મહત્વનો ભાગ બનશે, જેને કારણે સાણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં નવા રોકાણ આવશે. મશીન ટૂલ્સ, ઓટો એન્જિનિયરિંગ તથા કૃષિ સંબંધિત વ્યવસાય માટે નવા માર્ગ ખુલશે.
13 જિલ્લાઓ માટે લાભ: એક કલાકમાં કનેક્ટિવિટી!
અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં જોડાણ માટે આ રસ્તાઓ મોટો ફેરફાર લાવશે. હવે આ જિલ્લાઓમાંથી કોઈપણ વિસ્તારમાં એક કલાકથી ઓછા સમયમાં પહોંચવાનું શક્ય બનશે.
42 ઇન્ટરચેન્જ અને માર્ગ પર આધુનિક સુવિધાઓ
એકસપ્રેસવે પર 42 ઇન્ટરચેન્જ બનાવાશે, જે પ્રાદેશિક જોડાણમાં નવા પુલ બનશે. ઉપરાંત, દરેક 50 કિ.મી. પર ખાસ સુવિધાઓ જેવી કે:
પાર્કિંગ અને રેસ્ટ એરિયા
પેટ્રોલ પંપ, મેડિકલ સુવિધાઓ
ગુણવત્તાયુક્ત ભોજન સુવિધાઓ
વન્યજીવો માટે ઓવરપાસ-અંડરપાસ
ઔદ્યોગિક તથા પ્રવાસન વિસ્તારો સુધી સીધી પહોંચ
અંબાજી, મોઢેરા, પોળો જંગલ, જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ સહિત રાજ્યના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો સુધી સીધી જોડાણ પ્રાપ્ત થશે. ઉપરાંત માંડલ, બાવળા, સાણંદ, રાજકોટ-શાપર, પોરબંદર-કોડીનાર, તથા ધોલેરા જેવા ઔદ્યોગિક વિસ્તારો સુધી ઝડપી પહોંચ સુનિશ્ચિત થશે.
ગુજરાત માટે એક ભવ્ય માર્ગ નેટવર્કનો પ્રારંભ
બન્ને એક્સપ્રેસવે પૂર્ણ થયા બાદ ગુજરાતમાં 8000 કિ.મી.થી વધારે 4-6 લેન હાઇવે ઉપલબ્ધ થશે. રાજ્ય માટે આ ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક પરિવર્તનની નવી શરૂઆત બનશે.