અસજી હાઇવે પર આવેલા સ્કોડા કારના શોરૂમમાં એક બિલ્ડર કાર બુકિંગ માટે ગયા હતા. બુકિંગના નાણાં લેવા તે કાર પાસે આવ્યા ત્યારે કાર લોક હતી અને ડ્રાઇવર પણ ગાયબ હતો. બિલ્ડરના દૂરનો સંબંધી એવો આ ડ્રાઇવર કારમાંથી 19.28 લાખ લઇને ભાગી ગયો હતો. શોરૂમના સીસીટીવી તપાસતા તે કેબમાં બેસી જતો દેખાયો હતો. સરખેજ પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ટ્રેક કરતા ઇસ્કોન પાસે કેબ દેખાઇ હતી.
જ્યાં આરોપી ઉતરીને 15 મિનિટ રિક્ષામાં ફર્યો હતો. બાદમાં તે જયપુરની કેબ બુક કરાવીને નીકળી ગયો હતો. પોલીસે અરવલ્લી અને સાબરકાંઠા પોલીસને પણ જાણ કરતા આખરે તે વતન પહોંચે તે પહેલા ઝડપાઇ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી 19.28 લાખ રોકડા સહિતનો મુદ્દામાલ કબજે લઇ તપાસ હાથ ધરી છે.
વટવામાં રહેતા આબીદ રસુલ મુલતાની ખાબીયા કન્સ્ટ્રક્શન નામથી કંપની ધરાવે છે. તેમના દૂરના સગામાં સોયેબ યુસુફ બંજારા નામનો ભત્રીજો પાડોશી સંબંધીના ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આબીદ રસુલ મુલતાનીને ડ્રાઇવરની જરૂર હોવાથી ત્રણ દિવસ પહેલા 15 હજાર પગાર પર સોયેબ યુસુફ બંજારાને ડ્રાઇવર તરીકે રાખ્યો હતો. તા.19મીએ આબીદ રસુલ મુલતાનીને બાવળા કિંગ વિલા ખાતેની નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો અને સપ્લાયર્સને પેમેન્ટ આપવાનું હોવાથી રૂ. 19.28 લાખ લઇને ડ્રાઇવર સોયેબને લઇને નીકળ્યા હતા. જોકે આબીદ રસુલ મુલતાનીને નવી કાર લેવાની હોવાથી ઉજાલા સર્કલથી વળીને એસજી હાઇવે પર સ્કોડા કારના શોરૂમ ખાતે ગયા હતા. પોણો કલાક બાદ આબીદ રસુલ મુલતાની બુકિંગના પાંચ હજાર લેવા કાર પાસે આવ્યા ત્યારે ડ્રાઇવર ગાડીમાં નહોતો. આબીદ રસુલ મુલતાનીએ ગાડીમાં જોતા પૈસા ભરેલી થેલી પણ ગાયબ હતી. જેથી તેમણે ડ્રાઇવરને ફોન કરતા તે સતત ફોન કાપતો હતો અને થોડી વારમાં ફોન બંધ કરી દીધો હતો. જેથી તેમણે કાર શોરૂમના સીસીટીવી ફુટેજ તપાસતા ડ્રાઇવર સોયેબ યુસુફ બંજારા ટેક્સી પાસિંગની કારમાં જતો દેખાયો હતો. તાત્કાલિક સરખેજ પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ટ્રેક કર્યા હતા. જેમાં આરોપી સોયેબ યુસુફ બંજારા પહેલા ઇસ્કોન બ્રિજ ખાતે કેબમાં ગયો હતો. બાદમાં અલગ અલગ રિક્ષાઓમાં ફરીને ઇસ્કોનથી બીજી કેબ બુક કરાવીને ગાંધીનગર તરફ જતો હતો. આરોપી મૂળ રાજસ્થાનનો હોવાથી સરખેજ પોલીસે અરવલ્લી અને સાબરકાંઠા ચેકપોસ્ટ પર નાકાબંધી કરાવી દીધી હતી. પોલીસે તેનો પીછો કરી લોકેશન ટ્રેસ કરી ટેકનિકલ સર્વેલન્સ આધારે મોડાસા શામળાજી વચ્ચેના દાવલી ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી સોયેબ યુસુફ બંજારા પાસેથી 19.28 લાખ અને ગાડીની ચાવી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
કેન્સરની બીમારીના ખર્ચને પહોંચી વળવા ચોરી કરી
આરોપી સોયેબ યુસુફ બંજારાને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો. તેની વધુ પૂછપરછ કરતા તેના ભાઇને કેન્સરની બીમારી હોવાથી આર્થિક તંગી ઊભી થતાં અને સારવારના ખર્ચને પહોંચી વળવા તેણે તેના શેઠના 19.28 લાખ રૂપિયા ચોરી કર્યા હતા. આરોપી ચોરી કરીને તેના વતનમાં જતો હતો પરંતુ તે ઘરે પહોંચે તે પહેલા ઝડપી લઇ વધુ તપાસ શરૂ કરાઇ છે.
– આર. કે. ધુળિયા, પી.આઇ., સરખેજ પોલીસ સ્ટેશન