ONGCની મહિલા અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરી રૂ. ૧.૩૬ કરોડની ઠગાઇ

Spread the love

 

મહિલાના તેમજ તેની માતાના બેંક એકાઉન્ટમા થયેલા નાણાંકીય વ્યવહાર તપાસવા નામે આરટીજીએસથી ૧.૩૬ કરોડ ટ્રાન્સફર કરાવી લેવાયા ટ્રાઇ, સીબીઆઇ કે ઇડીના અધિકારીના નામે કોલ કરીને ડીજીટલ એરેસ્ટ કરીને કરોડો રૂપિયા પડાવતી ગેંગથી બચવા માટે સાયબર ક્રાઇમ સતર્ક રહેવા માટે અનેકવાર સુચનો કરે છે. તેમ છતાંય, હજુપણ અનેક લોકો છેતરાઇ જઇને કરોડો રૂપિયા ગુમાવે છે.

ગોતામાં રહેતા અને ઓએનજીસીમાં ફરજ બજાવતા મહિલા અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને છેતરપિંડી કરતી ગેંગ દ્વારા રૂપિયા ૧.૩૬ કરોડની માતબર રકમ પડાવી લીધી હતી. ગઠિયાઓએ મહિલાને ટ્રાઇના અધિકારી તરીકે ફોન કરીને બેંક એકાઉન્ટમાં મની લોન્ડરીંગની બે કરોડની રકમ હોવાનું કહીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું. આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના ગોતામા વિસ્તારમાં રહેતા ત્રિવેણીબેન પટેલ ચાંદખેડા ઓએનજીસીમાં સિનિયર આસીટન્ટ તરીકે નોકરી કરે છે. ગત ૩૧મી મે ના રોજ તેમને અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમને કહ્યું હતું કે તે ટેલીકોમ રેક્યુલેટર ઓથોરીટીમાંથી વાત કરે છે. તમારો ફોન બે કલાકમાં બંધ થઇ જશે. થોડીવાર પછી પોલીસના ડ્રેસ પહેરેલા વ્યક્તિએે સીબીઆઇના અધિકારી તરીકે ઓળખ આપીને કહ્યુ હતું કે તમારા કેનેરા બેંકના એકાઉન્ટમાં બે કરોડ રૂપિયાનું કાળુ નાણું છે અને આ બેંક એકાઉન્ટ આધાર કાર્ડથી લીંક છે. જેથી તમારા પર કેસ કરીને ડીજીટલ એરેસ્ટ કરવા માટે વોંરટ છે અને કોલ કરનારે વોટ્સએપ પર સુપ્રિમ કોર્ટના સિક્કાવાળો લેટર મોકલ્યો હતો.

ત્રિવેણીબેનને એરેસ્ટ કરીને કોર્ટ રૂમનો વિડીયો બતાવીને જજે તેમની પાસેથી આધાર કાર્ડની જોવા માંગી હતી અને તેમને પુછવામાં આવ્યું હતું કે એકાઉન્ટમાં જેેટલા નાણાં હોય તેનું વેરીફીકેશન આરબીઆઇ દ્વારા કરવાનું છે. જેથી ત્રિવેણીબેને ૩૬ લાખ રૂપિયા અન્ય એક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ ઉપરાંત, ત્રિવેણીબેનના માતાના બેંક એકાઉન્ટમાંથી તેમજ ફીક્સ ડીપોઝીટના નાણાં મળીને કુલ ૧.૩૬ કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ મકાન વેચીને પણ નાણાંની માંગણી થતા ત્રિવેણીબેને તેમના સગાને આ બાબતે જાણ કરતા તેમની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *