લીડ્ઝ : ભારતીય ક્રિકેટ ટીમને લીડ્ઝમાં ઈંગ્લેન્ડ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડયો. આ મેચમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ચોથી ઈનિંગમાં 371 રનનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી.
નબળી ફિલ્ડિંગ અને બોલિંગ આ મેચમાં ટીમની હારનું સૌથી મોટું કારણ બની હતી. આ મેચમાં ખેલાડીઓ પણ એકબીજા સામે ઝધડો કરતાં જોવા મળ્યાં હતાં. એક પ્રસંગ એવો પણ હતો કે જ્યારે શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજા મેદાન પર જ ઝધડી પડયાં હતાં.
રવિન્દ્ર જાડેજા મેચમાં શાર્દુલ ઠાકુરના ખરાબ ફિલ્ડિંગથી ખૂબ જ ગુસ્સે થયો હતો. શાર્દુલના કારણે એક સરળ રન 3 રનમાં ફેરવાઈ ગયા. આ ઘટના બાદ જાડેજાએ શાર્દુલની ઘણી ટીકા કરી હતી. આ મેચમાં ભારતની ફિલ્ડિંગ કંગાળ રહી હતી.
જેમાં યશસ્વી જયસ્વાલે ચાર કેચ છોડયાં હતાં અને જાડેજાએ એક કેચ છોડયો હતો. ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી, જેમાં ઝેક ક્રાઉલીએ ધીમી પણ મક્કમ ઈનિંગ રમી હતી, જ્યારે બેન ડકેટે આક્રમક બેટીંગ કરી હતી.
મેચનાં પાંચમાં દિવસે રવિન્દ્ર જાડેજા શાર્દુલ ઠાકુરની ફિલ્ડિંગથી ખૂબ જ ગુસ્સે થયો હતો. રુટે જાડેજાના બોલ પર શોટ રમ્યો હતો, જેને શાર્દૂલ ઠાકુર રોકી શક્યો નહતો અને એક આસાન રન ત્રણ રનમાં ફેરવાઈ ગયાં.
આથી જાડેજા ગુસ્સે ભરાયો હતો અને તેણે શાર્દુલને ઠપકો આપ્યો હતો. શાર્દુલે પોતાનાં ખુલાસામાં જણાવ્યું હતું કે તેનો પગ લપસી ગયો હતો. જાડેજા હંમેશાં મેદાન પર ઉચ્ચ સ્તરીય ફીલ્ડિંગ કરે છે.
તેઓ પાસેથી દરેક બોલ પર શ્રેષ્ઠ પ્રયાસ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ મેચમાં ભારતની ફિલ્ડિંગ ખૂબ જ ખરાબ રહી છે. યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ચાર કેચ છોડ્યાં. જાડેજાએ પ્રથમ ઈનિંગમાં પણ બેન ડકેટનો આસાન કેચ છોડ્યો હતો.
