
ગાંધીનગર ખાતે યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને એક મહિનો પૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 મે ના રોજ આ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. સેન્ટરમાં અત્યાધુનિક કેથલેબની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રથમ મહિનામાં 1410 બાહ્ય દર્દીઓ અને 77 અંતઃદર્દીઓને સારવાર આપવામાં આવી છે. કેથલેબમાં ત્રણ દર્દીઓની એન્જીયોગ્રાફી કરવામાં આવી છે. તેમાંથી એક દર્દીની બલૂન એન્જીયોપ્લાસ્ટી પણ કરવામાં આવી. આ સેન્ટર અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક અને ઇન્ટરવેન્શનલ ટેકનિકથી સજ્જ છે. ગાંધીનગર અને આસપાસના વિસ્તારના દર્દીઓને કાર્ડિયાક અને ન્યુરો સંબંધિત સારવાર સરળતાથી મળી રહે છે. યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ કાર્ડિયોલોજી ક્ષેત્રે સારવાર, સંશોધન અને તાલીમમાં અગ્રેસર છે. સંસ્થાનું મુખ્ય લક્ષ્ય વિશ્વકક્ષાની સારવાર પૂરી પાડવાનું છે. આ સુવિધાથી દર્દીઓના સારવારના પરિણામોમાં સુધારો થશે. સાથે જ દર્દીઓ અને તેમના પરિવારોના જીવનની ગુણવત્તામાં પણ વધારો થશે. સંસ્થાએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠતાના ધોરણો સ્થાપ્યા છે. દર્દી-કેન્દ્રિત અભિગમ દ્વારા સતત નવીનતા લાવવામાં આવી રહી છે.