ગ્રીન વ્હીકલ પોલિસી અપનાવશે સુરત

Spread the love

 

ગ્લોબલ વોર્મિંગના વધતા જતા પ્રશ્નો અને પર્યાવરણ સુરક્ષાની વૈશ્વિક ચિંતા વચ્ચે સુરત મહાનગરપાલિકાએ એક ક્રાંતિકારી પહેલ કરી છે. સુરત હવે પોતાની આગવી “ગ્રીન વ્હીકલ પોલિસી” અમલમાં મૂકશે. આ સાથે હાઈડ્રોજન બસનો પ્રારંભ, ઈ-વ્હીકલને 50% ટેક્સ રાહત અને ભવિષ્યમાં RTOમાં માત્ર ઇ-ઓટોની જ નોંધણી થાય તેવી વ્યવસ્થા કરાશે. આ પોલિસી 15 જુલાઈ પહેલા અમલી બને તેવી સંભાવના છે. નવી પોલિસી હેઠળ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર વાહનવેરામાં 50% સુધીની રાહત આપવાની જોગવાઈ છે. આનાથી ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધશે અને પ્રદૂષણમાં ઘટાડો થશે. પાલિકાને થતી આવકના ઘટાડાને સરભર કરવા કેન્દ્ર સરકાર પાસેથી ફંડ માંગવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાએ અગાઉ ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં સફળતા મેળવી છે. હવે એક ડગલું આગળ વધીને પ્રાયોગિક ધોરણે હાઈડ્રોજન બસ દોડાવવાનું આયોજન છે. આનાથી સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ પરિવહનમાં વધશે. પ્રદૂષણના પ્રશ્નને ધ્યાનમાં રાખીને નવી પોલિસીમાં ઇ-ઓટો રિક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ભવિષ્યમાં આરટીઓમાં માત્ર ઇ-ઓટોની જ નોંધણી થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ અંગે મહાનગરપાલિકા, કલેક્ટર અને આરટીઓ તંત્રના અધિકારીઓની સંયુક્ત કમિટી દ્વારા નિર્ણય લેવાશે. 2006થી CNG રિક્ષાનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું હતું, પરંતુ હવે ઇ-ઓટોને પ્રાધાન્ય અપાશે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે 2025-26ના નાણાકીય બજેટમાં “ગ્રીન ગ્રોથ ઇનિસિએટિવ” અંતર્ગત ગ્રીન વ્હીકલ પોલિસી બનાવવાની જાહેરાત કરી હતી. આ પોલિસી ઇલેક્ટ્રિક વાહનો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેનો વ્યાપ વધુ છે. તે બાયો અને હાઈડ્રોજન આધારિત ઇંધણ સહિતના વૈકલ્પિક અને ગ્રીન ઇંધણને પણ પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત, ભારત સરકાર, ગુજરાત સરકાર અને GIZ જેવા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદ લઈને આ પોલિસી બનાવવામાં આવી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાએ BRTS કોરિડોરમાં 100% ઇલેક્ટ્રિક બસો ચલાવીને દેશમાં પ્રથમ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. હવે ગ્રીન વ્હીકલ પોલિસી દ્વારા હાઈડ્રોજન ફ્યુઅલ આધારિત મોબિલિટી અને ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલને પણ પ્રમોટ કરવામાં આવશે. અગાઉ સુરતમાં પાંચ વર્ષની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલમાં હતી, જેમાં પ્રથમ વર્ષે ઇ-વ્હીકલ ખરીદનારને 100%, બીજા વર્ષે 75%, ત્રીજા વર્ષે 50% અને ચોથા વર્ષે 25% વાહનવેરામાં છૂટ મળતી હતી. નવી પોલિસીમાં સીધી 50% રાહત આપવાની વિચારણા ચાલી રહી છે, જે વધુ સરળ અને આકર્ષક બનશે.આ પોલિસી સુરતને માત્ર પર્યાવરણીય રીતે સક્ષમ બનાવશે નહીં, પરંતુ દેશના અન્ય શહેરો માટે પણ એક મોડેલ પૂરું પાડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *