
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામમાં કરંટ લાગતા માતા-પુત્રીના મોત થયા છે. ઘરના ઢોરવાડાના સીલિંગ ફેનના વાયરમાંથી વીજપ્રવાહ કપડાં સુકવવાના ધાતુના તારમાં વહ્યો હતો, જેના કારણે આ ઘટના ઘટી હતી. જેસીંગપુરા ગામના ગોદી ફળિયામાં રહેતા કૈલાસબેન રામચંદ્રભાઈ ગામીત અને તેમની પુત્રી ધનગૌરીબેન રામચંદ્રભાઇ ગામીત 30 જૂનના રોજ પોતાના ઘર બહાર ઢોરવાડાના લોખંડના પાઇપ સાથે બાંધેલા ધાતુના તાર પર કપડાં સુકવવા ગયા ત્યારે ઘરના ઢોરવાડાના સીલિંગ ફેનના વાયરમાંથી વીજપ્રવાહ કપડાં સુકવવાના ધાતુના તારમાં વહ્યો હતો, જેના કારણે બંનેને કરંટ લાગતા બંનેના મોત થયા હતા. બંનેના મૃતદેહને વ્યારા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાં હતા. પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક દિવસ પહેલા 29 જૂન, રવિવારના દિવસે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મેઢા ગામમાં કરંટ લાગવાથી મૂળ ભાવનગરના પાલીતાણાના હર્શિતાબેન હાર્દિકભાઈ શિહોરા નામની મહિલાનું પણ કરંટ લાગવાથી મોત થયું હતું. રવિવારે ઉત્રાણ આમોરા પેલેસમાં રહેતા હાર્દિકભાઈ શિહોરા, જેઓ મૂળ પાલિતાણાના છે,તેમના મિત્રો પરિવાર સાથે સોનગઢના મેઢા ધોધ જોવા માટે આવ્યા હતા. આ ધોધ તરફ જતાં રસ્તે હાર્દિકભાઈના પત્ની હર્ષિતાબેન શિહોરાએ વરસાદથી બચવા છત્રી ખોલી હતી. પણ દુર્ભાગ્યે, આ છત્રી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે નીચે લટકતા જીવંત વીજ વાયરને અડી ગઈ હતી. તેનાથી હર્ષિતાબેનને જોરદાર કરંટ લાગ્યો હતો, ગંભીર રીતે દાઝી જવાથી તેમનું સ્થળ પરજ મોત નીપજ્યું હતું.
મૃતક માતા-પુત્રીની વિગત
કૈલાસબેન રામચંદ્રભાઈ ગામીત – ઉંમર 58 વર્ષ
ધનગૌરીબેન રામચંદ્રભાઇ ગામીત – ઉંમર 35 વર્ષ