
વાંસદા તાલુકાના રાણીફળિયામાં રહેતા એક ઇસમને પ્લેટિન વર્લ્ડ એલ.ટી.ડી. કંપનીમાં રૂપિયાનો રોકાણ કરવાથી ઊંચ વ્યાજની લોભામણી સ્કીમ આપી ડોલવણના યુવાને રૂ. 27.41 લાખ ઓનલાઇન ગુગલ પે તેમજ રોકડા મેળવી વિશ્વાસઘાત કરતા વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામે શાંતિનગરમાં રહેતા અને હાલમાં નવા ફળિયા મહીડા સાહેબની વાડીમાં કિર્તીભાઇના મકાનમાં મૂળ રહે. ધનગવા, મધ્યપ્રદેશના લીલાધર મૃર્ગેન્દ્રસિંહ રાઠોર (ઉ.વ. 30)એ બીલીમોરાથી હોલસેલમાં સાબુ અને સાબુ પાવડર લાવી વાંસદાના ગામોમાં ફરીને વેચાણ કરે છે. તા. 25/1/2023ના રોજ માલ વેચાણ માટે ગામડે ગયા હતા.
દરમિયાન ખરજઈ ગામે અનિતા ધર્મેશભાઈ ચૌધરી અને ધર્મેશ રવજીભાઈ ચૌધરીએ તેમને જણાવ્યું કે અમે પ્લેટીન વર્લ્ડ એલ.ટી.ડી.કંપનીમાં અમો શેરબજાર બિઝનેસમાં જોડાયેલા છે અને PLCUX નો પ્લાન દર મહિને ફિક્સ પેમેન્ટ આપે છે ત્યારે તેમણે જોડાવાની ના પાડી હતી.
તેઓએ તા. 1/2/2023ના રોજ કંપનીના સિનિયર તેમના ઘરે આવવાના હોવાનું જણાવતા લીલાધર ખરજઈ ગામે પહોંચ્યો હતો. જ્યાં 3-4 ઇસમ હતા અને તેમને કમલેશ જ્યસિંગભાઈ ચૌધરી પ્લેટિન કંપનીના વ્યારાના સર હોવાની ઓળખાણ કરાવી હતી અને જણાવ્યું કે પ્લેટિન વર્લ્ડ કંપની 7 વર્ષથી ચાલે છે તમો રોકાણ કરશો તો સારામાં સારા રૂપિયા મળશે.
બાદમાં તા. 6/2/2023ના રોજ સવારે 4 ઇસમો ઘરે મળવા આવતા કંપનીમાં જોડાવા ના પાડી હતી. જેથી આ તમામ ઈસમોએ જણાવ્યું કે અમે પણ રોકાણ કર્યું છે અને મહિને 50 હજાર મળે છે જેથી વિશ્વાસમાં આવી તા. 6થી 9 ફેબ્રુઆરી 2023 દરમિયાન કમલેશ જેસિંગભાઈ ચૌધરી (રહે. ડોલવણ, પટેલ ફળિયા, જિ. તાપી) પ્લેટિન વર્લ્ડ એલ.ટી.ડી.કંપનીમાં PLCUX ના પ્લાનના અધિકારી હોવાનું જણાવી તેમના મોબાઈલમાં ULTIMA FARM માં MINTING નામની એપ ડાઉનલોડ કરાવી હતી અને તમે જો આ કંપનીના શેર માર્કેટમાં જોડાઇ રૂપિયા રોકશો તો તમને ત્રણ ઘણું વળતર મળવાનું જણાવ્યું હતું.
તેમની પાસેથી રૂ. 29.41 લાખ ઓનલાઇન ગુગલ પે તેમજ રોકડ રકમ મેળવી હતી. ત્યારબાદ20 માર્ચ 2023ના રોજ કમલેશભાઈ ચૌધરીનો ફોન કરી જણાવ્યું કે તમારા રોકાણના આ મહિનાના વળતરના રૂ. 2 લાખ ધર્મેશ ચૌધરી (રહે.ખરજઈ)માં પ્રગેશ ગામીત તથા તેમની મમ્મી હન્નાબેન આપશે તે લઈ લેજો. તેઓ ત્યાં ગયા ત્યારે બધાની હાજરીમાં 2 લાખ આપ્યા હતા.
ત્યારબાદ દર મહિને વળતરની માંગણી કરતા કમલેશેકોઈ સંતોષકારક જવાબ આપતો ન હતો. કમલેશે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી તેના એકાઉન્ટમાં તેમજ બીજા એકાઉન્ટમાં નાણાં નંખાવી તેમની સાથે છેતરપિંડી કરતા કમલેશ ચૌધરી વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.