
અમદાવાદમાં લોકપ્રિય બની રહેલા ક્રિકેટ બોક્સ સુરક્ષા અને નીતિ-નિયમો વગર બેફિકરાઈથી ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ 500થી વધુ ક્રિકેટ બોક્સ ધમધમી રહ્યા છે, જેમાંથી મોટાભાગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી વિના ચાલી રહ્યા છે. હાઇવે અને રિંગ રોડને અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં લોખંડની જાળીના કોર્ડન કરીને ઉભા કરી દેવામાં આવતા હાલ 500થી વધારે ક્રિકેટ બોક્સ છે પરંતુ, ક્રિકેટ બોક્સ બનાવવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની કોઈપણ SOP અથવા નિયમ બનાવવામાં આવ્યા નથી. જો સુરતના કતારગામમાં પડેલા ક્રિકેટ બોક્સ જેવી ઘટના અમદાવાદ શહેરમાં બને અને કોઈ જાનહાનિ થાય તો એના માટે જવાબદાર કોણ રહેશે? તેને લઈને સવાલ ઉભા થયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ક્રિકેટ બોક્સ બનાવવામાં કોઈ નિયમ કે SOP હાલ નથી. GDCRમાં ક્રિકેટ બોક્સ અંગે કોઈ નિયમ નથી. હવે ક્રિકેટ બોક્સ માટે અલગથી નિયમો અને SOP બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સાથેની તમામ બાબતો આવરી લઈ નિયમો બનશે.
દિન-પ્રતિદિન ક્રિકેટ રમવા માટે ખુલ્લા મેદાન અને પ્લોટમાં ઊભા કરવામાં આવેલાં ક્રિકેટ બોક્સનો ક્રેઝ વધી રહ્યો છે. હજાર રૂપિયાથી લઈ 2,000 આપીને લોકો ક્રિકેટ રમવા માટે જતા હોય છે. શહેરના એસ.જી. હાઇ-વે અને રીંગરોડ તેમજ સોસાયટીની બાજુમાં ખાનગી પ્લોટ માં લોખંડની જાળીથી કોર્ડન કરેલા ક્રિકેટ બોક્સ ઊભા કરી દેવામાં આવે છે. હવે કેટલાક ક્રિકેટ બોક્સ ખૂબ જ ઊંચા અને શેડ વાળા બનાવવામાં આવે છે, જેથી ચોમાસા દરમિયાન પણ ક્રિકેટ બોક્સ રમી શકાય એવા ક્રિકેટ બોક્સ ઊભા થયા છે. જોકે ખાનગી પ્લોટમાં ટેમ્પરરી સ્ટ્રક્ચરની જેમ ઉભા કરવામાં આવેલા લોખંડની જાળીના મહાકાય આવા ક્રિકેટ બોક્સ લોકો માટે ચોમાસામાં ભારે પવન અને વરસાદમાં જોખમી બની શકે તેમ છે.
તાજેતરમાં જ સુરત કતારગામમાં આવેલું મહાકાય ક્રિકેટ બોક્સ ભારે વરસાદ અને પવનના કારણે પડી ગયું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં તમામ ક્રિકેટ બોક્સ અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો અને સાત જેટલા ગેરકાયદેસર ક્રિકેટ બોક્સને સીલ મારી દીધા હતાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ કોઈપણ જાહેરાતના હોર્ડિંગ લગાવવા માટે મંજૂરી આપતું હોય છે અને તેના નિયમો છે પરંતુ ક્રિકેટ બોક્સ માટે કોઈપણ નિયમ બનાવવામાં આવ્યા નથી. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ટેમ્પરરી સ્ટ્રક્ચર અંગે કડક કાર્યવાહી અને ધ્યાન આપવાની જરૂરિયાત છે પરંતુ, આવા પ્લોટમાં ટેમ્પરરી સ્ટ્રકચરો ઊભા કરી અને આડેધડ શહેરમાં અનેક જગ્યાએ ક્રિકેટ બોક્સ બનાવી દેવામાં આવ્યા છે.
ગત રવિવારે જ કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલા ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સનો શેડ આજે ધરાશાયી થયો હતો. કિકેટ રમી રહેલા યુવાનો એ શેડને પકડી રાખીને ઉભા રહ્યા હતા. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને એક યુવાનને સામાન્ય ઈજા થઈ હતી. વિશાળ અને ભારે ભરખમ શેડ પડવામાં બચી ગયેલા યુવાનોએ સ્ટેટસમાં બચી ગયા હોવાનું પણ લખ્યું હતું.