


અમદાવાદના નિકોલ વિસ્તારમાં યુવકે ટ્રક નીચે આવીને આત્મહત્યા કરી છે. અજાણ્યા યુવકે પાર્ક કરેલી ટ્રક જોઈ હતી. ત્યાર બાદ તે ટ્રક ચાલુ થવાની રાહ જોઇને ઉભો રહ્યો, થોડી વારમાં જ ટ્રક ચાલુ થઈ એટલે તે પણ ટ્રકના ટાયર નીચે સુવા જવા માટે ચાલતો થયો. ટ્રક ચાલુ થતા જ ટ્રક નીચે સૂઈ ગયો હતો. જે બાદ યુવક પરથી ટ્રક પસાર થતા જ ત્રણ સેકન્ડમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નિકોલ વિસ્તારમાં વહેલી સવારે પામ હોટલ પાસે જ્યારે વાહનોની અવરજવર થઈ રહી હતી ત્યારે અંદાજિત 35 વર્ષનો અજાણ્યો યુવક ત્યાં પહોંચ્યો હતો.આ યુવકે પાર્ક કરેલી ટ્રક જોઈ હતી જે બાદ ટ્રક જેવી શરૂ થઈ તરત જ ટ્રક તેના પરથી પસાર થઈ હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.જેમાં યુવકે જ આત્મહત્યા કરી હોવાનું દેખાઈ રહ્યું છે.
આ બનાવની જાણ થતા ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ઓઢવ પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઓઢવ પીઆઇ પી.એન ઝિંઝુવાડીયાએ જણાવ્યું હતું કે મૃતક અજાણ્યો યુવક છે.તેની હજુ સુધી કોઈ ઓળખ થઈ નથી.યુવકના ખિસ્સામાંથી પણ કોઈ ચિઠ્ઠી કે અન્ય કોઈ વસ્તુ મળી નથી.જેથી યુવકની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.