
માણસા તાલુકાના મોમાઈપુરા વરસોડા ગામ પાસે સુજલામ સુફલામ કેનાલ પર બનાવવામાં આવેલ રોડ વરસાદને કારણે ધોવાઈ ગયો છે. જેના કારણે મોટું ગાબડુ પડી જતા અહીંથી પસાર થતાં ગ્રામજનો ખેડૂતો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ ગાબડુ જલ્દી પુરવામાં નહીં આવે તો કોઈ મોટો અકસ્માત પણ થવાની ગ્રામજનોને દહેશત છે. ચોમાસાની શરૂઆતમાં જ માણસા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે, જેને કારણે ઘણી જગ્યાએ રોડ રસ્તાનું ધોવાણ અને ખાડા પડી ગયા છે. ત્યારે તાલુકાના મોમાઈપુરા વરસોડા ગામ પાસે સુજલામ સુફલામ કેનાલ અંતર્ગત અવરજવર માટે બનાવવામાં આવેલ પુલ પર ધોવાણને કારણે ગાબડા પડી ગયા છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે તકલીફ પડી રહી છે. રાત્રિના સમયે કે ભારે વરસાદ થાય તે સમયે મોટો અકસ્માત થવાનો પણ ખતરો ગ્રામજનોને લાગી રહ્યો છે. આ રોડ 15 વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. હવે તેને તાત્કાલિક રીપેર કરી ગાબડા પૂરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.