
ન્યૂ ગાંધીનગરના રાયસણમાં આવેલી સાગરવિલા સોસાયટીના બંગલામાં તસ્કરે ખેપ મારી હતી. દીકરીના લગ્ન માટે ખરીદવામાં આવેલા દાગીના અને 5 લાખની રોકડ સહિત 13.15 લાખનો મુદ્દામાલ ચોરી તસ્કર પલાયન થઇ ગયો હતો. જેથી બંગલાના માલિકે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ઘરફોડની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ જીતેન્દ્રકુમાર પરષોત્તમદાસ પટેલ (રહે, બંગલા નંબર 9, સાગરવિલા સોસાયટી, રાયસણ) કેમિકલનો ધંધો કરે છે. ત્યારે ગત રોજ રાતના સમયે ઘરમાં ઉપરના માળે આવેલા બેડરૂમમાં લગાવેલા એસીમાં ખરાબી થઇ હોવાથી પરિવાર નીચેના માળે સુઇ ગયો હતો. નિત્યક્રમ મુજબ પરિવારના સભ્યો સવારે જાગી ગયા હતા. તે સમયે દીકરો નાહવા માટે જતા ઉપરના બેડરૂમમાં સામાન વેર વિખેર પડેલો જોવા મળ્યો હતો. જેથી બીજા બેડરૂમમાં પણ તપાસ કરવામાં આવી હતી.
તેમા પણ સામાન વેરવિખેર જોવા મળતા બેડરૂમમાં રહેલા કબાટની તપાસ કરવામાં આવતા અંદર મુકવામાં આવેલા 5 લાખ રૂપિયા રોકડા ગાયબ હતા. તેની સાથે આગામી ફેબ્રુઆરી મહિનામાં દીકરીના લગ્ન હોવાથી ઘરમાં લાવવામાં આવેલા દાગીનામાં દોઢ તોલાની બે સોનાની ચેઇન, સોનાની બે વીંટી, એક સોનાની બુટ્ટી, ચાંદીના બે બિસ્કીટ, ચાંદીની ત્રણ પાયલ, ચાંદીના જુડા, 90 નંગ ચાંદીના સિક્કા, ગણેશજી, લક્ષ્મીજીની ચાંદીની મૂર્તિ, ચાંદીની દીવી અને રોકડા મળી કુલ 13.15 લાખની ચોરી થઇ હતી. સોસાયટીમાં લગાવેલા સીસીટીવી ચેક કરવામાં આવતા એક તસ્કર સોસાયટીમાં ફરતો જોવા મળ્યો હતો.જ્યારે બંગલાની અંદર બારીના બે સળિયાવાળીને અંદર પ્રવેશ કરી ચોરી કરવામાં આવી હતી. આ બનાવ બાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં ઘરફોડની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી હતી.