
ગાંધીનગરના સંત સરોવરમાં ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે પાણીની આવક શરૂ થઈ છે. સાબરમતી નદી પર ઇન્દ્રોડા ગામ પાસે સ્થિત સંત સરોવર ડેમમાં નવા નીર આવી રહ્યા છે. ડેમ 55.50 મીટરની ઊંચાઈ અને 21 દરવાજા ધરાવે છે. તેની પાણી સંગ્રહ ક્ષમતા 355 મિલિયન ક્યુબિક ફૂટ છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જો પાણીની આવક ભયજનક સપાટી સુધી પહોંચશે, તો અગિયાર નંબરનો દરવાજો ખોલવામાં આવશે. તંત્ર દ્વારા લોકોને નદી કે આસપાસના વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. સંત સરોવરનું નિર્માણ આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા અને નયનરમ્ય વાતાવરણ સર્જવા માટે કરવામાં આવ્યું છે. દર વર્ષે ચોમાસા દરમિયાન સરોવર ઓવરફ્લો થાય છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદ ચાલુ છે.