
ગાંધીનગરના ઝૂંડાલ વિસ્તારમાં આવેલા કલ્પતરૂ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ દિવસના સમયે ચોરી કરી છે. વિજયકુમાર ભાખરીયાના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ છે. 22 જૂન 2025ના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે આ ઘટના બની હતી. ફરિયાદીની માતા વતનમાં હતા. ભાભી નીતાબેન બાળકોના ચોપડા લેવા ચાંદખેડા ગયા હતા. સાડા ચારેક વાગ્યે પાડોશીએ મકાનનું તાળું તૂટેલું જોઈને જાણ કરી. તસ્કરો સોનાની બુટી, વીંટી, કાનની શેર, દિલ આકારનો ઓમનો ચકતો અને ગંગા-જમના બંગડી મળી કુલ રૂ. 2.43 લાખના સોનાના દાગીના લઈ ગયા. ચાંદીની પાયલ, ઝૂડા, રાહુલ નામવાળી લકી, મગમાળા અને ગીલેટવાળી બુટી મળી કુલ રૂ. 1.26 લાખની ચાંદીના દાગીના અને રૂ. 700 રોકડ રકમની ચોરી કરી.અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ કુલ રૂ. 3.70 લાખની મતાની ચોરીની તપાસ શરૂ કરી છે.