
ગાંધીનગરના સેક્ટર-7માં આવેલી ચૌધરી સ્કૂલની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. સ્કૂલની હોસ્ટેલમાં રહેતી 12 વિદ્યાર્થીનીઓને ઝાડા-ઉલ્ટીની ફરિયાદ થઈ હતી. વિદ્યાર્થીનીઓએ મંગળવારે પનીરનું શાક ખાધું હતું. બુધવારે તેમની તબિયત લથડતાં તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. તબીબોએ સારવાર આપી હતી. કોઈપણ વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. ઘટનાની જાણ થતાં કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સક્રિય થયું હતું. આરોગ્ય ટીમને ચૌધરી કેમ્પસમાં મોકલવામાં આવી હતી. હોસ્ટેલમાં રહેતી 200 વિદ્યાર્થીનીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. 12 વિદ્યાર્થીનીઓ સિવાય અન્ય કોઈ નવો કેસ મોડી સાંજ સુધી નોંધાયો નથી. સાવચેતીના પગલાં રૂપે આરોગ્ય ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ભાગ લે છે અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.