
નબળાઇ અને ચક્કરની બીમારીને પગલે ઝાંકની જે.એમ.દેસાઇ વિદ્યાલયની હોસ્ટેલનો એક બાળકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે. જ્યારે એક બાળકને સારૂ થઇ જતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ ઝાંકની જે.એમ.વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતા 122માંથી 121 બાળકોની તબિયત સારી થઇ જતા રજા આપી છે. વધુમાં હોસ્પિટલમાંથી રજા આપેલા 120 બાળકોમાંથી કોઇપણની તબિયત રાત્રે નહીં બગડતા આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે. લેબોરેટરીના રિપોર્ટ પછી બીમારીનું સાચું ચિત્ર સ્પષ્ટ થશે. જિલ્લાના દહેગામ તાલુકાના ઝાંક ગામની જે.એમ.દેસાઇ વિદ્યાલયના 122 બાળકોમાં આંખની ભેદી બીમારી બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ સારુ થતાં ગત મંગળવારે 120 બાળકોને હોસ્પિટલમાંથી રજા આપી છે. જ્યારે બે બાળકોને હોસ્પિટલમાં સારવારમાં રાખવામાં આવ્યા હતા. તેમાંથી એક બાળકની તબિયત સારી થઇ જતા તેને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે એક બાળકને હજુય ચક્કર આવવાની સાથે સાથે નબળાઇને કારણે હોસ્પિટલના પિડિયાટ્રીક વોર્ડમાં દાખલ કરીને સઘન સારવાર આપવામાં આવી રહી છે.
હોસ્ટેલના બાળકોમાં સોમવાર સવારથી આંખમાં ઝાંખું દેખાવવું, પાણી પડવું, લાલાસ, ખંજવાળ, ડબલ વિઝનની સમસ્યાને પગલે સ્થાનિક સંસ્થાના સંચાલકોએ સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોની પ્રાથમિક ચકાસણી કરાવી હતી. ત્યારબાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.જીજ્ઞેશ અસારી ટીમ સાથે હોસ્ટેલ ખાતે દોડી ગયા હતા. બાળકોની આંખમાં ઉપરોક્ત સમસ્યાને પગલે ભોગ બનેલા 122 બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાળકોને સમયસર સારવાર મળી જતા આંખોની તકલીફ દૂર થઇ જતા કુલ-122માંથી 120 બાળકોને મંગળવાર સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે બે બાળકોને સારવાર માટે રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી એક બાળકની તબિયત સારી થઇ જતા બુધવારે રજા આપી દીધી હતી. જ્યારે એક બાળકને ચક્કર અને નબળાઇને પગલે હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ બાળકની આંખની તકલીફ પૂર્ણ થઇ ગઇ હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.જીજ્ઞેશ અસારીએ જણાવ્યું છે.