આલમપુર ગામના પાટિયા પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં ચોરી થઈ

Spread the love

 

 

ગાંધીનગર-ચિલોડા હાઇવે ઉપર આલમપુર ગામના પાટિયા પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં આવેલી એમ.ડી.એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં રાતના સમયે અજાણ્યા તસ્કરે દુકાનનું શટર તોડી અંદર રહેલી ખાંડના કટ્ટા અને ગોળના બોક્સ મળી કુલ 74 હજારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. દુકાનમાંથી ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. આ બાબતે ચિલોડા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
વાવોલમાં રહેતા મહેશભાઇ નટવરભાઇ પટેલ આલમપુર પાટિયા પાસે આવેલા સૈનિક સંકુલમાં એમ.ડી.એન્ટરપ્રાઇઝ નામથી કરિણાનો હોલસેલનો વેપાર કરે છે. ત્યારે ગત 26મીના રોજ સવારના સમયે દુકાન ઉપર આવ્યા હતા અને દુકાનમાં નજર કરતા અંદર રહેલા ખાંડના કટ્ટા અને ગોળના બોક્સ ઓછા જોવા મળ્યા હતા. જેથી દુકાનમાં લગાવેલા સીસીટીવી ચેક કરવામાં આવતા રાતના આશરે દોઢ વાગ્યાના અરસામાં એક તસ્કર જોવા મળ્યો હતો. દુકાનનુ શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલા ખાંડના અને ગોળના બોક્સ કાઢીને બહાર મુકવામાં આવેલી સીએનજી રિક્ષામાં મુકતો નજરે પડતો હતો.
દુકાનમાંથી 50 કીલો વજનના 30 ખાંડના કટ્ટા અને 18 કીલો વજનના ગોળના 10 બોક્સ મળી દુકાનમાંથી કુલ 74550 હજારની કિંમતનો સામાન ચોરી કરી લઇ જતા ચિલોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. તસ્કરો અત્યાર સુધી રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરતા હતા. પરંતુ હવે ઘર વપરાશની ચીજવસ્તુઓની પણ ચોરી કરવા લાગ્યા છે. સૈનિક સંકુલમાં અગાઉ પણ ચોરીના બનાવો સામે આવ્યા છે, ત્યારે સંકુલમાં પોલીસ પેટ્રોલીંગ વધારવા માટે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *