આ જ જીવન છે અને એનું સમાધાન પણ આપણે જ શોધવાનું છે.
સેક્સલાઇફ ઉપર આવા કોઈ પરિબળની અસર થતી હોય તો તેનો ઉપાય કપલે જાતે જ શોધવો પડે
તાજેતરમાં સારા અલી ખાન અને વિક્કી કૌશલની ફિલ્મ આવી હતી, એ ફિલ્મમાં આ બંનેને પોતાના ઘરમાં સરખી સ્પેસ ન મળતી હોવાથી તેઓ પોતાનો નવો માળો બનાવવાનાં સપનાં જોતાં બતાવાયાં છે. પોતાના જ ઘરમાં સરખી પ્રાઇવસી ન મળતી હોવાથી કપલ આવું વિચારે એમાં ખોટુંય નથી જ. જે ઘરમાં મહેમાનોની અવરજવર વધારે રહેતી હોય તેઓ આ સમસ્યાથી સંપૂર્ણ પરિચિત હશે.
સળંગ એક અઠવાડિયાથી વધારે તમારા ઘરે મહેમાનોની અવરજવર રહેતી હોય ત્યારે પર્સનલ સ્પેસની સમસ્યા બધાંને સતાવવા લાગતી હોય છે. અલબત્ત, ઘર નાનું હોય કે મોટું પણ આપણું જે રૂટિન હોય તેમાં ફેરફાર થાય એટલે તેની અસર આપણાં જીવન ઉપર થાય જ. આવો જ એક કિસ્સો અનંતાનો છે. અનંતાના ઘરમાં છેલ્લા પંદર દિવસથી સતત કોઈ ને કોઈ મહેમાનો આવતા હતા. તેના ઘરમાં કોઈ પ્રસંગ નહોતો પણ તેઓ શહેરમાં રહેતાં અને પતિ-પત્ની બંને સ્વભાવે મિલનસાર એટલે કોઇને શહેરમાં કંઇ કામ હોય, હોસ્પિટલની વિઝિટ હોય કે ફરવા જવાનું હોય તો અનંતાના ઘરે જ આવીને રોકાય. આમ તો તેના ઘરમાં ત્રણ બેડરૂમ હતા તેમ છતાં મહેમાન આવ્યા હોય એટલે કામનો ભાર વધારે રહે, રૂટિનમાં ફેરફાર થાય અને રાત્રે પણ સૂવામાં મોડું થાય. વળી અનંતાને સ્કૂલે જતી એક દીકરી પણ હતી, તેને હોમવર્ક કરાવવાનું, સમયસર સુવરાવવાની, સમયસર ઉઠાડવાની, તૈયાર કરીને સ્કૂલે મોકલવાની સાથે મહેમાનોનાં ચા-પાણી-નાસ્તા અને એ પતે એટલે બપોરના ભોજનની વ્યવસ્થા કરવાની. મહેમાનો સૂતા હોય એની પથારી ઉપાડવાથી માંડીને બીજાં નાનાંમોટાં કામ તો ખરાં જ. એ બધું જ પતાવીને ઓફિસ પણ જવાનું. તમે સમજો કે પંદરવીસ દિવસના સળંગ આવા રૂટિનના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર તેની શું અસર થાય.
અનંતાને રોજ સૂવામાં એક વાગી જતો, એવુંય નહોતું કે તે કદી ઉજાગરો નહોતી કરતી, તેને અને તેના પતિને ઉજાગરાની આદત હતી પણ તે બંને તેમને ગમે તે જગ્યાએ ફરતાં, મનગમતું વાંચતા કે ફિલ્મ જોવામાં સમય પસાર કરતાં. દીકરી સૂઈ જાય એ પછી કોઇ ટોપિક ઉપર વાતો કરવી અને ગમતું વાંચવું એ બંનેનો શોખ હતો પણ સતત મહેમાનમારાના કારણે ગમતી પ્રવૃત્તિ જ નહોતી થતી. આ બધું તો ઠીક પણ આ સમસ્યાની સૌથી ખરાબ અસર અનંતા અને અમરના અંગત જીવન પર પડી રહી હતી. આખા દિવસનું કામ અને ગેસ્ટના કારણે તેઓ શારીરિક સંબંધથી પણ વંચિત હતાં. આ સમયગાળામાં બંને એટલાં થાકી જતાં કે શારીરિક સંબંધ બનાવવાનો સમય જ નહોતો મળતો.
અનંતા અને અમર જેવી સમસ્યા ઘણાં કપલ્સને હોય જ છે. બાળક આવ્યા બાદ, મહેમાનવાળું ઘર હોય ત્યારે આવું થતું જ હોય છે. બાળક આવ્યું હોય એ પછી લાંબા સમય સુધી માતા સેક્સ કરવાના ફેઝમાં નથી હોતી. સ્ત્રીની અંદર આવતાં હોર્મોનલ બદલાવ અને બાળકની જવાબદારી આ કારણે સ્ત્રીને આ સમયગાળામાં સેક્સની ઇચ્છા બહુ નથી થતી હોતી. એ પછી બાળક થોડું મોટું થાય અને જ્યાં સુધી તે તેનાં માતા-પિતા સાથે સૂતું હોય ત્યાં સુધી પણ આવી સમસ્યા રહેતી જ હોય છે. બાળકના સૂઈ ગયા બાદ પણ કપલને સેક્સ કરતાં તે ઊઠી ન જાય તેનો ભય રહેતો હોય છે, એ જ રીતે મહેમાનોવાળા ઘરમાં પણ કામના ભારણની અસર પતિ-પત્નીની સેક્સલાઇફ પર થતી જ હોય છે. આમાંથી કોઈ બાકાત રહી શકતું નથી.
આ જ જીવન છે અને એનું સમાધાન પણ આપણે જ શોધવાનું છે. સેક્સલાઇફ ઉપર આવા કોઈ પરિબળની અસર થતી હોય તો તેનો ઉપાય કપલે જાતે જ શોધવો પડે, કારણ કે જો તેનો ઉપાય ન શોધવામાં આવે તો સંબંધો બગડી શકવાની શક્યતાઓ પણ રહે છે. આપણે એવું માનીએ છીએ કે એક ઉંમર બાદ એકબીજાનો સાથ મહત્ત્વનો હોય છે, સેક્સ નહીં. જોકે હકીકત એવી છે કે એ ઉંમરની શરૂઆત પચાસ કે સાઠ પછીથી થતી હોય છે. એ પહેલાં તો સેક્સ મહત્ત્વનું હોય જ છે. જો તમે લાંબાગાળા સુધી તેનાથી વંચિત રહો તો તેની અસર સંબંધ ઉપર પડવાની જ છે. આવું ન થાય એટલે પોતાના માટે પણ સમય કાઢતાં શીખવું જોઇએ. બાળકના કારણે સેક્સ ન થતું હોય તો વીકમાં અમુક દિવસે તેને દાદા-દાદી પાસે સુવડાવવું, એ સિવાય રવિવારની રજા હોય તો તમે શનિવારે બાળક સૂઈ જાય એ પછી એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી શકો છો. મહેમાનોવાળું ઘર હોય તો પણ બંને પોતાના માટે કઈ રીતે સ્પેસ ક્રીએટ કરી શકો છો તે વિચારીને તેનો અમલ કરો જેથી તમારા અંગત જીવન ઉપર આ બધાની અસર ન થાય.