
ગત 19મી, જૂનના રોજ મધ્યરાત્રીએ ખાબકેલા પાંચ ઇંચ વરસાદથી ધણપ ગામમાં વરસાદી પાણીનો નિકાલ નહી થવાથી બેટમાં ફેરવાય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. આથી ગામમાંથી વરસાદી પાણીના નિકાલ માટે જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગે ગામના પ્રવેશનું ગરનાળું તોડી નાંખવામાં આવ્યું હતું. તોડેલા ગરનાળાને હાલમાં ડાયવર્ઝન આપી દેવાયું છે. ઉપરાંત ચોમાસાની ઋતુ પછી અંદાજે 80 લાખના ખર્ચે પાકું ગરનાળું બનાવવામાં આવશે.
જિલ્લાના અનેક ગામોમાં ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ નહી થવાથી હાલત કફોડી બની રહે છે. આવી જ સ્થિતિ ધણપ ગામમાં બનતા ગામના પ્રવેશદ્વાર પાસેના ગરનાળાને તોડવાની ફરજ પડી હતી. તેમાં ગત 19મી, જૂનના રોજ મધ્યરાત્રીએ ખાબકેલા ધોધમાર વરસાદને પગલે ધણપ ગામમાંથી વરસાદી પાણીના નિકાલની કોઇ જ વ્યવસ્થા નહીં હોવાથી ગામની હાલત બેટમાં ફેરવાય તેવી બની ગઇ હતી. તેની જાણ ગાંધીનગર જિલ્લા પંચાયતના બાંધકામ શાખાને જાણ કરતા તાત્કાલિક બાંધકામ શાખાના અધિકારી દોડીને ગામના પ્રવેશદ્વાર સમાન ગરનાળાને તોડી નાંખવામાં આવ્યું હતું. આથી ગામમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ થયો હતો.
જોકે ગામના પ્રવેશના માર્ગ ઉપરનું ગરનાળું તોડી નાંખતા ગ્રામજનોને પ્રવેશ માટે હાલાકી પડતી હતી. આથી જિલ્લા પંચાયતના બાંધકામ શાખા દ્વારા ચોમાસાની ઋતુ સુધી ગ્રામજનોને અવર જવરમાં તકલીફ પડે નહીં તે માટે ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવ્યો છે. ડાયવર્ઝન રસ્તો બનાવતા ગ્રામજનોને ફરીને જવાની હાલાકામાંથી છુટકારો મળ્યો છે. ગામમાં ભવિષ્યમાં વરસાદી પાણીનો ભરાવો થાય નહીં તે માટે જિલ્લા પંચાયતના બાંધકામ શાખા દ્વારા ચોમાસાની ઋતુ પછી અંદાજે રૂપિયા 80 લાખના ખર્ચે પાકુ ગરનાળુ બનાવવામાં આવશે. જોકે ગામમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે યોગ્ય કામગીરી કરવાને બદલે તોડી નાંખવામાં આવેલા ગરનાળાને લઇને રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.