
સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વારે જ વીસેક ફુટ પહોળો અને દસેક ફુટ ઊંડો ભુવો પડ્યો હતો. જોકે માટી નાંખીને ભુવાનું પુરાણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ રસ્તો સમતળ નહીં કરવાથી હજુય કામચાલુ હોવાના બોર્ડ લગાવી રાખતા રસ્તો ખુલ્લો થયો નથી. આથી દર્દીઓને લઇને આવતી એમ્બ્યુલન્સ સહિતના વાહનોને અવર જવરમાં હાલાકી પડી રહી છે. છેલ્લા એક સપ્તાહથી આવી પરિસ્થિતિ છતાં તંત્ર દ્વારા ભુવાનું પુરાણ કરીને રોડને સમતળ કરવા માટે સમય નથી તેવું ચિત્ર ઉપસ્યું છે.
રાજ્યના પાટનગરમાં પણ ચોમાસામાં ગમે તે રસ્તા કે રોડ ઉપર ભુવા પડવાનો સિલસિલો છેલ્લા બે વર્ષથી શરૂ થયો છે. જે ચાલુ વર્ષે પણ યથાવત રહેતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઘ-રોડ ઉપરના પ્રવેશદ્વારની બહાર જ સપ્તાહ પહેલાં વીસેક ફુટ પહોળો અને દસેક ફુટ ઊંડો ભુવો પડ્યો હતો. ભુવો પડતા અવર જવર કરતા વાહનો અકસ્માતનો ભોગ બને નહીં તે માટે બેરિકેડ મુકીને સુરક્ષા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ગેટ બહાર પડેલા ભુવાનું યુદ્ધના ધોરણે માટી નાંખીને પુરાણ કરી દેવામાં આવ્યું છે.
પરંતુ સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વારની સામે જ ભુવો પડ્યો હોવાથી યોગ્ય રીતે માટી પુરાણ કરીને પુન: ભુવો પડે નહીં તે રીતે રોડને સમથળ કરી દેવાથી સિવિલ હોસ્પિટલમાં આવતી એમ્બ્યુલન્સ સહિતના વાહનોને અવર જવરમાં હાલાકી પડે નહી. તેની કોઇ જ પ્રકારની તકેદારી સબંધિત તંત્ર દ્વારા લેવામાં આવી નથી. માત્ર કામ ચાલુ છે તેવા બોર્ડ મારીને ભુવામાં માટી નાંખી દીધા બાદ કામગીરી પૂર્ણ કર્યાનો સબંધિત તંત્રએ સંતોષ માન્યો હોય તેમ લાગી રહ્યું છે. દર્દીઓને પડતી હાલાકીને પણ ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે સમારકામ કરી દેવામાં આવે તેવી આશા દર્દીઓના સગાઓ રાખી રહ્યા છે.