
બિલ્ડરો દ્વારા ગ્રાહકોની છેતરપિંડી ન થાય અને કોઇપણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની ગ્રાહકોને માહિતી મળી શકે, છેતરપિંડીના કિસ્સામાં ગ્રાહકોને ન્યાય અપાવી શકાય તે માટે રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ કાયદા અન્યવયે રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી- રેરાની સ્થાપના કરવામાં આવી છે. સમગ્ર દેશમાં રેરા કાયદો લાગું છે અને તેના ભાગરૂપે ગુજરાતમાં પણ ગાંધીનગર ખાતે રેરા- ઓથોરિટી કાર્યરત કરવામાં આવી છે. પરંતુ બિલ્ડરો પર નિયંત્રણ અને ગ્રાહકોના અધિકારોની સુરક્ષા માટે રચાયેલી આ ઓથોરિટીને જ બિલ્ડરો ચૂનો લગાવી રહ્યા છે.
ગાંધીનગર જિલ્લાના 52થી વધુ બિલ્ડરોએ વિવિધ નિયમોના ભંગ બદલ રેરાએ ફટકારેલા દંડ- પેનલ્ટીની રકમ જ ભરપાઇ કરી નથી. આ દંડની રકમ 20 લાખ જેટલી છે, રકમ મોટી નથી પરંતુ બિલ્ડરો દંડ ભરપાઇ કરતા નહીં હોવાથી તેઓ રેરાને પણ ગણકારતા નથી તેવું ચિત્ર ઉપસ્યું છે. રેરા કાયદાની વિવિધ કલમોના ભંગ બદલે રેરા દ્વારા બિલ્ડરોને નિયત કરેલા ગુના માટેની જોગવાઇ મુજબ પ્રોજેક્ટ કોસ્ટના અમુક ટકા સુધીનો મહત્તમ દંડ કરવામાં આવે છે.
ખરેખર રેરાની ભૂમિકા એવી હોવી જોઇએ કે દંડના ડરથી બિલ્ડરો નિયમોનો ભંગ ન કરે, ગ્રાહકો સાથે છેતરપિંડી ન આચરે અને કાયદાનો સારી રીતે અમલ થાય. પરંતુ બિલ્ડરો દ્વારા રેરાના આદેશની અવગણના કરીને દંડ ભરવામાં પણ કસૂરવાર ઠરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર રાજ્યના વિવિધ શહેરોના 600થી વધુ બિલ્ડરો દ્વારા રેરાએ ફટકારેલા દંડ- પેનલ્ટીની રકમની ભરપાઇ કરી નથી. જેમાં ગાંધીનગરના 52થી વધુ બિલ્ડરો દ્વારા પણ રેરાનો દંડ ભરવામાં આવ્યો નથી. કેટલાક બિલ્ડરો તો એવા છે કે જેમને ત્રણ વર્ષ અગાઉ દંડનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં દંડ ભરપાઇ કરતા નથી.
આ મામલે રેરા દ્વારા દંડ નહીં ભરનાર બિલ્ડરોને ચેતવણી આપવામાં આવી છે અને તાત્કાલિક દંડની રકમ ભરપાઇ કરવા તાકીદ કરવામાં આવી છે. જે બિલ્ડરો દ્વારા દંડની રકમ ભરપાઇ કરીને રેરાને જાણ નહીં કરે તેવા બિલ્ડરોની આખરી યાદી તૈયાર કરવામાં આવશે અને દંડની વસૂલાત માટે અન્ય વિકલ્પોની સાથે લેન્ડ રેવન્યુ કોડ મુજબ પગલાં લેવાની પણ તૈયારી રેરા દ્વારા કરવામાં આવી છે.
વિવિધ નિયમોના ભંગ બદલ રેરા દ્વારા ફટકારવામાં આવેલા દંડની રકમ ભરપાઇ કરનાર બિલ્ડરોની કામચલાઉ યાદી રેરા દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ બિલ્ડરોને રકમ ભરપાઇ કરી દેવા તાકીદ પણ કરાઇ છે. રકમ નહીં ભરનારા બિલ્ડર- ડેવલપર્સની મિલકતો ટાંચમાં લેવાની અને બાકીદાર તરીકે તેમના નામોની યાદી પણ પ્રસિદ્ધ કરવાની ચમકી રેરા દ્વારા ઉચ્ચારવામાં આવી છે.