
રાજકોટ શહેરમાં મામુલી વરસાદમાં ઠેર-ઠેર ખાડારાજ જેવો માહોલ સર્જાયો હતો. મીડિયા મારફત આ અંગે જાણ થતાં ખુદ મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં આ માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. અને રાઉન્ડ ધી કલોક કામગીરી કરવાનાં આદેશો આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત રાજકોટનું મનપા તંત્ર પણ અંતે જાગ્યું છે. તેમજ વરસાદ બાદ શહેરના માર્ગો પર રિકાર્પેટિંગ અને પેચવર્ક કાર્ય રાઉન્ડ ધી કલોક કરવામાં આવી રહ્યું છે. બે દિવસથી મોડીરાત્રે 12 વાગ્યા સુધી ત્રણેય ઝોનનાં ડે. કમિશ્નર ફિલ્ડમાં રહી કામ કરાવી રહ્યા છે. અને પદાધિકારીઓને રિપોર્ટ આપી રહ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ, માધાપર ચોકડી, કોઠારીયા રોડ, મવડી સહિત અનેક વિસ્તારોમાં મામુલી વરસાદમાં મસમોટા ખાડા પડયા હતા. તેમજ ઉમિયા ચોક વિસ્તારમાં સ્પીડબ્રેકર પણ સામાન્ય વરસાદમાં ખસી ગયું હતું. આ અંગે મીડિયા દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવતા છેક સીએમ કાર્યાલય સુધી તેના પડઘા પડ્યા હતા. માત્ર રાજકોટ નહીં ગુજરાતમાં અનેક સ્થળે ખાડારાજ હોવાનું સામે આવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાકીદે બેઠક બોલાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારો તેમજ નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની હાલની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનરો આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. સીએમએ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ જોવી ન જોઈએ. વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રીપેરીંગ કામગીરી ચાલુ જ રહે તેવા આદેશ મુખ્યમંત્રીએ બેઠકમાં આપ્યા હતા. જે કામોમાં ડિફેક્ટ લાયાબીલીટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે, મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાવા જ જોઈએ. મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં ત્વરાએ મરામત કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનો કર્યા હતા. એટલું જ નહિ, શહેરોમાં આ સમસ્યાના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા પણ સૂચના આપી હતી. અને રોડની ગુણવત્તામાં કોઇ બાંધછોડ નહીં ચાલે તેવું સ્પષ્ટ કહ્યું હતું. આથી હવે રાજકોટ મનપા તંત્ર સફાળું જાગ્યું છે. રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે ખરાબ થયેલા માર્ગો પર રિકાર્પેટિંગ, પેચવર્ક અને સમારકામની સહિતની કામગીરી રાઉન્ડ ધી કલોક ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીને ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય જનતાને અવરજવર દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ મહાપાલિકા દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત ઘણા વિસ્તારોમાં ખાડા બુરવાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં રિકાર્પેટિંગનું કાર્ય ચાલી રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ ત્રણેય ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશ્નરો તથા ત્રણેય ઝોનના સિટી એન્જીનીયરો રાઉન્ડ ઘ ક્લોક કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગત રાત્રે પણ રાજકોટ મહાપાલિકા દ્વારા ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર મનીષ ગુરવાની (IAS), ચેતન નંદાણી, હર્ષદ પટેલએ સેન્ટ્રલ ઝોનના રૂડા ઓફિસ પાસેના વિસ્તાર, ઈસ્ટ ઝોનના આજી ડેમ પાસેના વિસ્તાર અને વેસ્ટ ઝોનમાં રૈયા ચોકડી-બાપા સીતારામ ચોક પાસેના વિસ્તારમાં રૂબરૂ જઈને કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં તેની સાથે સિટી એન્જીનીર અતુલ રાવલ, કુંતેશ મહેતા, શ્રીવાસ્તવ તેમજ ડેપ્યુટી એન્જીનીયરો સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ફીલ્ડમાં રહ્યા હતા.
છેલ્લા 48 કલાકમાં રાજકોટમાં વરસાદ ધીમો પડ્યો છે. જેને લઈને વિદ્યાનગર રોડ, જ્યુબિલી ચોક વિસ્તારમાં વરસાદને પગલે પડેલા ખાડામાં મેટલ નાખીને મનપાની ટીમ દ્વારા રોડને સમતલ કરી દેવામાં આવ્યો હતો. અને જંગલેશ્વર વિસ્તાર ખાતે વોર્ડ નંબર 16માં વરસાદને કારણે પડેલા ખાડાઓની મરામતની કામગીરી કરવામાં આવી હતી. જેના પરિણામે રસ્તાઓ ફરીથી સમથળ બન્યા છે. આમ, રાજકોટ મહાનગરપાલિકા નાગરિકોને સુવિધાયુક્ત વોર્ડ નં.18 શ્રધ્ધા પાર્ક રોડ પર વરસાદના કારણે ધોવાણ થતાં રોડને સમતલ કરવા મહાપાલિકાએ રીસર્ફેસિંગની કામગીરી કરી હતી. આ ઉપરાંત વોર્ડ નંબર 17માં વરસાદના પગલે પડેલા નાના-મોટા 24 ખાડા 24 કલાકમાં જ બુરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં જ્યાં જરૂર લાગે ત્યાં ખાડાઓમાં સિમેન્ટના બ્લોક્સ નાંખીને ખાડાનું મજબૂત પુરાણ કરીને રોડ સમથળ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી સાથેની વિડીયો કોન્ફરન્સ બાદ મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનનાં ડે. કમિશ્નરોને ખાડાની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવાના આદેશો અપાયા હતા. જે અંતર્ગત છેલ્લા 48 કલાકથી રાઉન્ડ ધી કલોક કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો જેવા કે, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સાધુ વાસવાણી રોડ, મવડી મેઈન રોડ 150 ફૂટ રિંગરોડ સહિતના રસ્તા ઉપર ખાડા બુરવા માટેની કામગીરી જોરશોરથી કરાઈ રહી છે. અને તમામ 18 વોર્ડનાં ખાડાઓ એક સપ્તાહ જેટલા સમયમાં બુરવા માટે ટીમો કામે લાગી છે. સાથે પાણી ભરાવાની સમસ્યા છે તેવા સ્થળો આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે. તેમજ વધુ વરસાદના સમયે ત્યાં ત્વરિત પહોંચી શકાય તે માટે સીસીટીવી દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.