

દ્વારકાના ઓખામાં રેલ્વે ફાટક નજીક બની રહેલા ઓવરબ્રિજ સાઈટ પર એક દુર્ઘટના સામે આવી છે. 12 વર્ષીય અઝરૂદ્દીન અકબર સુરાણી નામનો બાળક પાણી ભરેલા ખાડામાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ઓવરબ્રિજના નિર્માણ માટે 15×20 ચોરસ અને 12 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. વરસાદને કારણે આ ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. ત્યાંથી પસાર થતા અઝરૂદ્દીન આ ખાડામાં પડી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ટીમે પોણા કલાક સુધી શોધખોળ કર્યા બાદ બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મીઠાપુર હોસ્પિટલમાં ખસેડ્યો છે. પીએસઆઈ આર.આર. જરુ આ કેસની તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોન્ટ્રાક્ટરે ખાડાની આસપાસ કોઈ ફેન્સિંગ કે સુરક્ષા વ્યવસ્થા કરી ન હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનાથી મૃતક બાળકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.