પોલીસ સુરક્ષા અને આત્મહત્યા અટકાવવા માટે DGP (Director general of police) શિવાનંદ ઝા દ્વારા 5 વર્ષથી ઓછા સર્વિસવાળા પોલીસ કર્મીઓ માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં આદેશ આપવામાં આવ્યો છે કે 5 વર્ષથી ઓછા સર્વિસવાળા PI અને PSIએ ફરજ બાદ સર્વિસ રિવોલ્વર જમા કરાવવાની રહેશે. હવે તાલીમી પોલીસને પ્રેક્ટિસ દરમિયાન જ હથિયાર મળશે. સાથે VVIP બંદોબસ્ત સમયે માનસિક સ્થતિનું નિરીક્ષણ કરવામાં આવશે. વર્તન-વ્યવહાર અંગે સુપરવાઈઝરે નિરીક્ષણ કરવાનું રહેશે. મહત્વનું છે કે કેવડિયા પીએસઆઇની આત્મહત્યા બાદ આ નિર્ણય લેવાયો છે. થોડા દિવસ અગાઉ નર્મદામાં કેવડીયા ખાતે PSIએ આત્મહત્યા કરી હતી. જેમાં તેમણે સહ પોલીસકર્મીની બંદૂક માગી અને ગોળી છોડી આત્મહત્યા કરી હતી. થોડા મહિના અગાઉ રાજકોટમાં મહિલા એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતની ઘટના પણ સામે આવી હતી. જેને લઇને રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોલીસકર્મીઓના સર્વિસ રિવોલ્વરને લઈને નિર્ણય લીધો હતો. નવનિયુક્ત 32 ASI પાસેથી રિવોલ્વર પરત લેવામાં આવી હતી. રાજકોટમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાતના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે. જેને અટકાવવા માટે પોલીસ કમિશનરે નિર્ણય લીધો હતો. ત્યારે હવે DGP દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.