અમરેલી જિલ્લાનો સૌથી મુખ્ય હીરા ઉદ્યોગ આજે મંદીના કારણે પછડાટ ખાઈ રહ્યો છે. એક સમયે હીરાઉદ્યોગમાં સૂરત પછી અમરેલીનું નામ આવતું હતું. ત્યારે માત્ર સાત વર્ષના જ ટૂંકા ગાળામાં હીરાઉદ્યોગના 500 જેટલા કારખાનાઓ બંધ થઈ ગયા છે. જિલ્લામાં 800 કરોડનું ટર્નઓવર હતું. જે આજે ઘટીને 300 કરોડે પહોંચ્યું છે. અમરેલી જિલ્લાનો હીરો તૈયાર થયા બાદ 95 ટકા માલ વિદેશમાં સપ્લાય થાય છે. આમ છતાં હીરામાં મંદી આવતા કારખાનેદારો અને કારીગરો પણ મુંઝવણમાં મુકાયા છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આપવામાં આવેલ નિવેદનથી હીરા ઉદ્યોગના રત્ન કલાકારો ચોકી ઉઠ્યા છે. આજે એક તરફ હીરા ઉદ્યોગ મંદીના ગ્રહણથી ડીમ પડ્યો છે. તો બીજી તરફ સીએમ સાહેબનું “રાજ્યમાં કે દેશમાં મંદી ન હોવાનું” નિવેદનો રત્ન કલાકારોના પડ્યા પર પાટા સમાન બની ચૂક્યું છે. સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગ સુરત અને અમરેલીમાં મોટા પાયે ચાલી રહ્યા છે. અમરેલી જિલ્લો મુખ્યત્વે ખેતી અને હીરાના ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. ખેતીને બાદ કરતા લોકો હીરા ઉદ્યોગમાં રોજી રોટી મેળવવા જોડાયેલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગી ગયું છે.
તો પહેલા હીરાના કારીગરો મહિને 20 હજારથી લઈ 25 હજાર સુધીનું કામ કરતા ત્યારે હાલ હીરામાં મંદી આવતા માંડ રૂપિયા 5 હજારથી લઈ 8 હજારનું કામ રત્નકલાકારો કરી રહ્યા છે. રત્નકલાકારો અને વેપારી જેવી સ્થિતિ હીરાના કારખાનેદારોની છે. છેલ્લા ત્રણ ચાર વર્ષમાં હીરા ઉદ્યોગ મંદીના માર સામે ઝઝુમી રહ્યો છે. ત્યારે આ વર્ષે દિવાળીના સમય પછી હીરા ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે. હીરાનો રફ માલ મળતો નથી. તો અમુક હીરાનો માલ બોમ્બેમાં પણ હીરાનો માલ પડ્યો છે. જે અહીં સુધી પહોંચી નથી શકતો. હીરા ઉદ્યોગમાં 2012મા હીરા ઉદ્યોગ સાથે 60 હજાર રત્નકલાકારો કામ કરતા હતા. જ્યારે જિલ્લામાં 1450 જેટલા નાના મોટા કારખાનાઓ હતા. 2018 અને 2019મા હીરાના 900 જેટલા કારખાનાઓ રહ્યા છે. જ્યારે 40 હજાર રત્નકલાકારો છે. 20 હજાર જેટલા રત્નકલાકારો મંદીને લઈ બીજા ઉદ્યોગ સાથે સંકળાઇ ગયા છે. મુખ્ય કારણ નોટબંધી, જીએસટી અને ડોલર ત્રણ વસ્તુની અસર સૌથી વધુ હીરા ઉદ્યોગ ઉપર પડી છે. પહેલા અમરેલી જિલ્લાનું ટન ઓવર 800 કરોડ રૂપિયાનું હતું હાલમાં 300 કરોડ આસપાસનું ટર્ન ઓવર અમરેલી જિલ્લાનું જોવા મળે છે. ત્યારે એક તરફ સરકાર મંદી ન હોવાની વાતો કરી રહી છે. પરંતુ આ કારીગરોની વેદના સાંભળીને શું સરકારને લાગશે કે ખરેખર આ ઉદ્યોગમાં મંદી છે કે પછી જેમ ચાલે છે તેમ લોલંલોલ જ રહશે.