
બજાજે તેની સૌથી શક્તિશાળી પલ્સર બાઇક NS400Zનું 2025 મોડેલ લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત 1.92 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખી છે. તે જૂના મોડેલ કરતાં ફક્ત 7,000 રૂપિયા મોંઘી છે. NS400Z ચાર કલર- વ્હાઇટ, રેડ, ગ્રે અને બ્લેકમાં ઉપલબ્ધ છે, જેમાં નવા સ્ટીકર્સ અને ગ્રાફિક્સ છે. કંપનીએ આ બાઇકમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે, જે તેને વધુ સારું પર્ફોર્મર બનાવે છે. આ અપડેટનો ઉદ્દેશ્ય પાછલા મોડેલની ખામીઓને દૂર કરવાનો હતો. સૌપ્રથમ, જૂના MRF બાયસ-પ્લાય ટાયરને Apollo Alpha H1 રેડિયલ ટાયરથી બદલવામાં આવ્યા છે, જે આગળના ભાગમાં 110/70-ZR17 અને પાછળના ભાગમાં 150/60-ZR17 કદના છે.
પાછળનું ટાયર હવે પહેલા કરતાં પહોળું છે, જે સારી પકડ આપે છે. ઉપરાંત, આગળના બ્રેક પેડ્સને ઓર્ગેનિકથી સિન્ટર્ડ યુનિટમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે, જે બ્રેકિંગ કામગીરી વધુ મજબૂત બનાવે છે.
આ બાઇકમાં 373cc એન્જિનમાં સુધારો કર્યો છે. હવે તેની રેડલાઇન 10,700rpm સુધી જાય છે, જે પહેલા કરતાં 1,000rpm વધુ છે. આ એન્જિન હવે 9,500rpm પર 43hp પાવર ઉત્પન્ન કરે છે, જે પાછલા મોડેલ કરતા 3hp વધુ છે અને 500rpm પછી ઉપલબ્ધ છે. 35Nm નો પીક ટોર્ક પહેલા જેવો જ છે, પરંતુ તે પછી 500rpm પર પણ ઉપલબ્ધ છે.
NS400Z બાઇકમાં ચાર રાઇડિંગ મોડ્સ છે – સ્પોર્ટ, રોડ, ઓફ-રોડ અને રેઇન. સ્પોર્ટ મોડ હવે શાર્પ થ્રોટલ રિસ્પોન્સ આપે છે, જ્યારે અન્ય ત્રણ મોડ્સમાં કોઈ બદલાવ કરાયો નથી. રેઇન મોડ સૌથી નરમ પ્રતિભાવ આપે છે અને રોડ અને ઓફ-રોડ મોડ્સ રેઇન અને સ્પોર્ટ વચ્ચે સંતુલન જાળવી રાખે છે. ખાસ વાત એ છે કે, આ બાઇકમાં હવે બાયડાયરેક્શનલ ક્વિકશિફ્ટર છે, જે કોઈપણ બજાજ બાઇકમાં પહેલીવાર આવ્યું છે. તે ફક્ત સ્પોર્ટ મોડમાં જ કામ કરે છે. બાઇકના મૂળભૂત ફીચર્સમાં કોઈ ફેરફાર નથી. તેમાં 12-લિટરની ફ્યુઅલ ટાંકી, 174 કિલો વજન અને 805mmની સીટની ઊંચાઈ છે, જે મોટાભાગના રાઇડર્સ માટે આરામદાયક છે. 165mmનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને તમામ પ્રકારના રસ્તાઓ પર ચલાવવા માટે સક્ષમ બનાવે છે. આ બાઇક પહેલા કરતાં વધુ ફિચર્સ અને પરફોર્મન્સ આપે છે, જે તેને વેલ્યૂ ફોર મની બનાવે છે.